Top Stories

ગુજરાતીઓ સ્વેટર સાથે રેઈનકોટ પણ રાખજો તૈયાર: ઠંડીની સાથે માવઠાની પણ આગાહી આવી

ગુજરાતમાં હાલ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે. પરંતુ આ વર્ષે હવામાનમાં (Gujarat Cold Forecast) આવેલા અનેક ફેરફારોના કારણે ઠંડીની તીવ્રતા એકસરખી નથી રહી. ક્યારેક હાડ થીજવી દે તેવી ઠંડી અનુભવાય છે તો ક્યારેક સામાન્ય ઠંડીનો માહોલ રહે છે.

હવામાન નિષ્ણાતો મુજબ આ સ્થિતિ પાછળ અલગ-અલગ સાઇક્લોનિક સિસ્ટમો અને પશ્ચિમી વિક્ષેપો (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) જવાબદાર છે. આ બદલાતા હવામાનને લઈને શિયાળુ પાક ઉગાવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતો શું કહે છે?

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષનો શિયાળો થોડો અસામાન્ય રહેશે. જેમ ચોમાસામાં વહેલી શરૂઆત, વચ્ચે વિરામ અને અંતે ભારે વરસાદ જોવા મળ્યો હતો, તેવી જ રીતે ઠંડીમાં પણ આવું જ પેટર્ન જોવા મળી શકે છે. એટલે કે ઠંડી વચ્ચે ઘટશે અને ફરી વધશે. નિષ્ણાતોના અનુમાન મુજબ માર્ચ મહિના સુધી ઠંડીની અસર રહેવાની શક્યતા છે.

શું ગુજરાતમાં વરસાદની શક્યતા છે?

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના કેન્દ્ર અનુસાર હાલમાં સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી, જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. આગામી 18 ડિસેમ્બર સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, એટલે ગુજરાતમાં હવામાન સૂકું અને ઠંડુ જ રહેશે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શુક્રવારે ગુજરાતમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 13.1 ડિગ્રી, વડોદરામાં 12.8, રાજકોટમાં 12, અમરેલીમાં 10.4 અને ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો માહોલ છે, જોકે હાલ સુધી તીવ્ર ઠંડી પડી નથી.