જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે એક પછી એક પરેશાનીઓ આવતી જ રહે છે. એવું લાગે છે કે સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. કોઈ જ વસ્તુ કાબુમાં રહેતી નથી અને જીવનમાં નકારાત્મક ઘટનાઓ સતત બને છે. આ સ્થિતિમાં વ્યક્તિ ભગવાનની શરણે થઈ જાય છે. ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ વિષમ પરિસ્થિતિમાં વ્યક્તિ માટે એકમાત્ર આધાર હોય છે.
હિન્દુ ધર્મમાં હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. માન્યતા છે કે એવું કોઈ સંકટ નથી કે જેને હનુમાનજી દૂર કરી ન શકે. જીવનમાં જ્યારે ભયંકર સ્થિતિ સર્જાઈ હોય અને કામમાં સમસ્યાઓ આવતી જ રહેતી હોય તો હનુમાન ચાલીસાની એક ચોપાઈનો જાપ રોજ સવારે કરવો. માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાની આ ચોપાઈ રોજ સવારે કરવાથી જીવનના દરેક સંકટથી મુક્તિ મળી શકે છે.
હનુમાનજી ભગવાન રામના પરમ ભક્ત હતા જેમણે પોતાનું જીવન સેવા સમર્પણ અને ભક્તિને સમર્પિત કરી દીધું હતું. ધાર્મિક ગ્રંથો અનુસાર કળિયુગમાં પણ જો કોઈ દેવતા સૌથી ઝડપથી પ્રસન્ન થાય તો તે હનુમાનજી છે. હનુમાનજીને હાજરાહજુર ગણવામાં આવે છે. હનુમાનજીની કૃપા કોઈ વ્યક્તિ પર થઈ જાય તો તેના જીવનમાંથી દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે.
હનુમાન ચાલીસાની ચમત્કારી ચોપાઈ
સંકટ તે હનુમાન છુડાવે મન, ક્રમ વચન ધ્યાન જો લાવે...
આ ચૌપાઈનો અર્થ છે જો કોઈ વ્યક્તિ નિષ્ઠા, મન, કર્મ અને વચનથી હનુમાનજીનું સ્મરણ કરે છે તો તેના જીવનના સંકટ હનુમાનજી છોડાવી દે છે.
ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ ભક્ત રોજ આ ચોપાઈનો જાપ કરે છે તો તેની જીવનની સમસ્યા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. સમસ્યા આર્થિક હોય, સ્વાસ્થ્ય સંબંધિત હોય કે માનસિક ચિંતા હોય હનુમાનજી તેના ભક્તની રક્ષા કરે છે.
હનુમાન ચાલીસાની આ ચૌપાઈનો જાપ કરવા માટે સવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને શાંત મનથી હનુમાન ચાલીસા વાંચવી. ત્યાર પછી હનુમાનજી સામે દીવો કરવો અને ઉપર જણાવેલી ચોપાઈનો જાપ કરવાનું શરૂ કરવું. શક્ય હોય તો રોજ જાપ કરવો અને જો રોજ શક્ય ન હોય તો મંગળવાર અને શનિવાર એ આ ચોપાઈ નો જાપ ખાસ કરી લેવો..
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Khissu.com આની પુષ્ટિ કરતું નથી.)