ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે.
ખેડૂતો માટેના આ મહત્વપૂર્ણ “આઈ-ખેડૂત પોર્ટલ”ને નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. આજે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે નવીન “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે
કૃષિ મંત્રી રાઘવજી પટેલે “આઈ-ખેડૂત 2.0 પોર્ટલ”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરળતાથી સરકારી સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. એટલા માટે જ, ગુજરાત સરકારે વર્ષ 2014માં શરૂ કરેલું “આઈ-ખેડૂત પોર્ટલ” એ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો
મંત્રી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 41 લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. 7,670 કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ-ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે.