Top Stories
ગુજરાતમાં ક્યાં મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે? શું કહે છે સ્કાયમેટ?

ગુજરાતમાં ક્યાં મહિનામાં વરસાદ ભુક્કા બોલાવશે? શું કહે છે સ્કાયમેટ?

ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈ ખુશખબર સામે આવી છે. આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જે અનુસાર, ચોમાસું સામાન્ય એટલે કે સારૂં રહેશે. ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારૂં રહેશે. ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40 ટકા છે. જ્યારે દુષ્કાળની શક્યતા માત્ર 5 ટકા છે

સ્કાયમેટ દ્વારા જાહેર કરાયેલા નકશા પરથી એવું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ઓગસ્ટમાં આખા ચોમાસાનો સૌથી વધુ વરસાદ વરસી શકે છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રને બાદ કરતાં સપ્ટેમ્બરમાં રાજ્યમાં અત્યંત વધુ વરસાદની સંભાવના છે. જોકે, અનુમાન અંગેની તલસ્પર્શી માહિતી સ્કાયમેટની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

જૂન અને જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે છે. ઉપરાંત સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, એકંદરે 103 ટકા વરસાદની સંભાવના છે. જ્યારે અનુમાનમાં 5 ટકા વધ-ઘટ થઈ શકે છે

મહિના અનુસાર અનુમાનિત વરસાદની વાત કરીએ તો, જૂન મહિનામાં 165.3 મિમીના 96 ટકા, જુલાઈ મહિનામાં 280.5 મિમીના 102 ટકા, ઓગસ્ટ મહિનામાં 254.9 મિમીના 108 ટકા, સપ્ટેમ્બર મહિનામાં 167.9 મિમીના 104 ટકાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વર્ષે અલ નીનો નબળો પડી રહ્યો છે, જેની ચોમાસા પર બહુ પ્રતિકૂળ અસર નહીં પડે. આ વખતે હિંદ મહાસાગર ડાયપોલ પણ સામાન્ય રહેવાની ધારણા છે, જે સારા વરસાદમાં મદદ કરશે

ભારતમાં દક્ષિણપશ્ચિમ ચોમાસુ કેવી રીતે ચાલે છે? 1 જૂને ચોમાસુ સૌપ્રથમ કેરળ પહોંચે છે. ધીમે ધીમે તે દક્ષિણ ભારત, પછી મધ્ય ભારત, પછી ઉત્તર ભારત અને અંતે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ફેલાય છે