રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની પણ સ્થિતિ જોવા મળી હતી. જોકે, બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ આજથી ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદ પડ્યા છે, પરંતુ હજુ સુધી ગરમી-ઉકળાટમાં કોઈ રાહત મળી નથી. ગરમી અને બફારાની સ્થિતિ 30 જૂન સુધી યથાવત રહે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ પડે તો પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે, જે યથાવત રહેશે.
13 તારીખથી ચાલુ થયેલો વરસાદનો રાઉન્ડ ચાલુ જોવા મળી રહ્યો છે. જોકે, 18 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે 21 અથવા 22 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે.
આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. સુરત, વલસાડ, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગમાં 21થી 25 તારીખ સુધી સારા વરસાદની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલીના છૂટાછવાયા વિસ્તારોમાં થોડી તીવ્રતા જોવા મળી શકે છે. 22 તારીખથી કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં થોડો વધારો થઈ શકે છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, વાવથરાદ, પાટણ, મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ હશે. આમ, 21થી 25 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે.