khissu

સુરતમાં જોવા મળ્યો અલગ જ રંગ, કોંગ્રેસ ઝીરો જ રનમાં આઉટ જ્યારે AAP એ કમાલ કરી નાખી.

હાલ દેશમાં બે જ રાજકીય પક્ષો જે મોટાભાગે છવાયેલા છે એક તો ભાજપ અને બીજું કોંગ્રેસ. ભારત અને પાકિસ્તાનની જેમ લડતા આ બે પક્ષો દર ચૂંટણીમાં એક રસનો વિષય બનાવી દે છે. જોકે હમણાંથી કોંગ્રેસ ઘણું પાછળ પડતું જોવા મળી રહ્યું છે તેમ છતાં ચૂંટણી પહેલાં સૌના હૈયાના ધબકારા વધી જતાં હોય છે કેમકે ક્યારે કયો પક્ષ બાજી પલટી નાંખે કાંઈ કહેવાય નહીં.

સુરત મહાનગરપાલિકામાં અલગ જ રંગ જોવા મળ્યો :

હાલ આપણા ગુજરાતમાં ભાજપ જ આગળ ચાલ્યું આવે છે ગત ચૂંટણીમાં પણ ભાજપ આગળ રહ્યું હતું અને આ વખતે પણ આગળ ચાલી રહ્યું છે. જોકે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓમાં ભાજપે પોતાનો ભગવો ઝંડો લહેરાવી દીધો છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં કાંઈક અલગ જ જોવા મળ્યું.

જી હા મિત્રો, લાંબા સમયથી ચાલ્યા આવતા બે પક્ષોમાં કોંગ્રેસને હાંકી કાઢીને એક નવા જ પક્ષે પગ પેસારો કર્યો છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપની જીત તો થઈ જ છે પરંતુ દિલ્લી સરકારની AAP પાર્ટીએ હવે સુરતમાં એન્ટ્રી મળી ગઈ છે. જોકે કોંગ્રેસને એક પણ બેઠક જીતી નથી. તેથી સુરતમાં હવે નવો જ પક્ષ ટક્કર આપવા માટે તૈયાર થશે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ટક્કર મારતાં કોંગ્રેસની શરમજનક હાર :

સુરત મહાનગરપાલિકામાં કુલ ૪૭.૧૪% મતદાન થયું હતું જેમાં વોર્ડ નંબર ૨,૪,૧૬ અને ૧૭ માં આમ આદમી પાર્ટી નો વિજય થયો છે. કુલ મતની વાત કરીએ તો કુલ ૧૨૦ બેઠકમાંથી ભાજપે ૯૩ બેઠકમાં જીત મેળવી અને આમ આદમી પાર્ટીએ ૨૭ બેઠકમાં જીત મેળવી જ્યારે કોંગ્રેસે એકપણ બેઠકમાં જીત મેળવી નથી.

સુરતની પ્રજાએ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ કરતા વધુ લાયક સમજી તે માટે કેજરીવાલ સુરતની પ્રજાનો ખૂબ આભાર માને છે અને એ ખુશીમાં કેજરીવાલ ૨૫ ફેબ્રુઆરીએ સુરત આવશે અને ભવ્ય રોડ શો પણ યોજશે.

જોકે સુરતમાં રાજનીતિએ મોટો પલટો માર્યો છે જે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસને ઝાડું મારીને સાફ કરી આમ આદમી પાર્ટી હવે ભાજપને ટક્કર મારવા તૈયારી કરશે. સુરત મહાનગરપાલિકાના આ પરિણામ બાદ કોંગ્રેસની શરમજનક પરિસ્થિતિ જોવા મળી છે જેમાં તેઓ એક પણ બેઠક જીતી શક્યાં નહીં. આ ઉપરથી લાગી રહ્યું છે કે સુરતની પ્રજા હવે કોંગ્રેસને લાયક સમજતી નથી અને તેથી જ હવે બીજો પક્ષે એકાએક એન્ટ્રી મારી દીધી છે.

સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ભાજપ પ્રમુખ નારાજ :

જોકે આમ આદમી પાર્ટીની સુરતમાં એન્ટ્રી બાદ ભાજપ પણ નાખુશ છે. ભલે ભાજપની જીત થઈ તેમ છતાં એક પાર્ટીને કાઢવા જતાં બીજી પાર્ટીએ આડો પગ કર્યો હોવાથી ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ઘણો રોષ વ્યકત કર્યો. ભાજપની જીત બાદ કોંગ્રેસ પ્રમુખ સુરતમાં ચૂંટાયેલા કોર્પોરેટરને અભિનંદન આપવા પહોંચી ગયા હતા.

સીઆર પાટીલે સુરતમાં ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરને અભિનંદન પાઠવ્યા અને સુરતમાં જે નવી જ પાર્ટીએ એન્ટ્રી કરી તે વિશે રોષ વ્યકત કરતા કહ્યું કે, કૂતરું કાઢતાં બિલાડું પેસી ગયું છે. આ કહેવત કહેતા તેમણે આડકતરી રીતે કોંગ્રેસને કૂતરું અને આમ આદમી પાર્ટીને બિલાડું કહીને બળાપો વ્યક્ત કર્યો.