khissu

શું તમે ઠંડીથી અકળાયા છો? તો આ સમાચાર તમારા માટે ખાસ છે!

છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીના કારણે ઠુઠવાઇ ગયેલા લોક માટે આ સમાચાર ખૂબજ ખાસ છે, કેમકે આ સમાચારથી આપને ખ્યાલ આવશે કે હવે આગામી દિવસોમાં શું થવાનું છે. છેલ્લુ એક અઠવાડીયું તો ભલભલાએ હાથ જોડ્યા હતા કે ભઇસાબ આવી તો ઠંડી હોતી હશે...કેમકે ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

જોકે સારી વાત એ છેકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ખાસ કરીને પવનની દિશા બદલાતાં હવે ઠંડી ઘટી ગઇ છે અને હજુ પણ આગામી 3થી 4 દિવસમાં તો ઠંડી વધુ 3 ડીગ્રી ઘટી જશે એટલે હવે ઠંડીથી અકળાયેલા લોકોને બહુ અકળાવું નહીં પડે..

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની પૂરી શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો.

જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બની ગયું હતું. આ ઉપરાંત ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.