khissu

આજે ફરીથી સોના ચાંદીના ભાવે દઝાડી દીધા, ભાવમાં તોતિંગ વધારો થતાં લોકોમાં ફફડાટ, જાણો નવા ભાવ

Gold Silver Price Today: મંગળવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 100 રૂપિયા વધીને 62,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. વિદેશી બજારોમાં મજબૂત સંકેતો વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ.100 વધીને રૂ.62,750 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

આ સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ પણ 350 રૂપિયા વધીને 77,950 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો એક તોલાનો ભાવ હાલમાં 63,880 રૂપિયા બોલાઈ રહ્યાં છે.

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, " દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 100 રૂપિયા વધીને 62,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. વાયદાના વેપારમાં, એમસીએક્સ પર ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં સોનું રૂ. 162 ઘટીને રૂ. 62,030 પ્રતિ 10 ગ્રામ થયું હતું. જોકે, ચાંદીનો માર્ચ કોન્ટ્રાક્ટ રૂ. 153 વધી રૂ. 74,678 પ્રતિ કિલોગ્રામ થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી અનુક્રમે $2,024 પ્રતિ ઔંસ અને $24 પ્રતિ ઔંસના સ્તરે વધી રહ્યા હતા.

કોમેક્સ પર સોનાનો હાજર ભાવ પાંચ ડોલર વધીને 2,024 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ નવનીત દામાણીએ જણાવ્યું હતું કે, "વ્યાજ દરો અંગે યુએસ ફેડરલ રિઝર્વના વલણને કારણે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ફેડએ કહ્યું છે કે 2024માં વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરવામાં આવશે." ડોલર અને ટ્રેઝરી યીલ્ડના મૂલ્યમાં ઘટાડો થયો છે.