khissu

જાણો નાણામંત્રીએ જે ઈ-પાસપોર્ટની જાહેરાત કરી તે શું છે અને કેવી રીતે કામ કરે છે

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે 1 ફેબ્રુઆરીએ સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ બજેટમાં ઈ-પાસપોર્ટ સહિત અનેક મોટી જાહેરાતો પણ કરી હતી. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં સરકાર ઈ-પાસપોર્ટ જારી કરશે. હવે તમને સવાલ થતો હશે કે આ ઈ પાસપોર્ટ શું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે.

હકિકતમાં ઇ-પાસપોર્ટમાં નાગરિકોની ઓળખ માટે રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી ઈ-પાસપોર્ટ હાલના પરંપરાગત પ્રિન્ટેડ પાસપોર્ટનું અપગ્રેડેડ વર્ઝન હશે. ઈ-પાસપોર્ટ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય તેને સુરક્ષાની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક સ્તરે ઈમિગ્રેશનને સરળ બનાવવાનો છે.

ઈ-પાસપોર્ટના શું શું છે ફાયદા
નોંધનિય છે કે, ઈ-પાસપોર્ટમાં એક માઈક્રો ચિપ ઈન્સ્ટોલ કરવામાં આવશે, જેમાં તમારી તમામ મહત્વની માહિતી જેમ કે નામ, પિતા કે પતિનું નામ, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક વિગતો વગેરે સેવ કરવામાં આવશે. એટલું જ નહીં ઈ-પાસપોર્ટની મદદથી તમને ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાંથી પણ મુક્તિ મળશે અને તમે તેને સરળતાથી અને પળવારમાં સ્કેન કરી શકશો. જે પાસપોર્ટ ધારકોને કોઈપણ પ્રકારના કામ માટે વિદેશ જવાનું હોય તેમના માટે ઈ-પાસપોર્ટ ખૂબ જ મદદગાર સાબિત થશે.

પાસપોર્ટ સંબંધિત છેતરપિંડીથી બચી શકાશે
ઈ-પાસપોર્ટના માધ્યમથી છેતરપિંડી અટકશે કારણ કે તેમાં દાખલ કરેલી વિગતો સરળતાથી બદલી શકાતી નથી અથવા તેની સાથે ચેડાં કરી શકાતા નથી. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, આવા નવા ઈ-પાસપોર્ટ 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં જારી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટનું ચલણ અમેરિકા અને બ્રિટન સહિંત 120 દેશોમાં પહેલાથી જ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ કહ્યું કે ભારતને સુરક્ષિત બાયોમેટ્રિક ડેટા સાથેનો ઈ-પાસપોર્ટ મળશે, જે ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ના ધોરણો અનુસાર બનાવવામાં આવશે.

ઈ-પાસપોર્ટ ક્યારે લોન્ચ કરવામાં આવશે
આ અંગે વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યના જણાવ્યું કે, ઈ-પાસપોર્ટમાં લગાવવામાં આવેલી ચિપ સાથે છેડછાડ કરી શકાશે નહીં અને જો કોઈ આવું કરશે તો પાસપોર્ટનું ઓથેંટિકેશન ફેલ થઈ જશે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ઈન્ડિયા સિક્યુરિટી પ્રેસ (ISP)માં ઈ-પાસપોર્ટ બનાવવામાં આવશે. ISP દ્વારા ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈ-પાસપોર્ટ જારી કરવાનું શરૂ થશે.

તો બીજી તરફ મીડિયા અહેવાલો અનુસાર, હાલમાં એવા લોકોને ઈ-પાસપોર્ટ આપવામાં આવશે જેઓ નવા પાસપોર્ટ માટે અરજી કરશે અથવા જે નાગરિકો તેમના જૂના પાસપોર્ટના રિન્યૂ માટે અરજી કરશે. હાલમાં દેશમાં પ્રિન્ટેડ પાસપોર્ટ ચાલી રહ્યા છે. ધીમે ધીમે ઈ પાસપોર્ટ લોકોની પાસે આવતા જશે ત્યારે જૂના પાસપોર્ટ જતા રહેશે. આ નવા પાસપોર્ટના કારણે અનેક પ્રકારની મદદ મળશે. લોકોની પર્સનલ માહિતી ગુપ્ત રહેશે અને આ ઉપરાંત જે ગુનેગારો અનેક પાસપોર્ટ રાખી તપાસ એજન્સીઓથી છટકી રહ્યા છે તેમા પણ લગામ કસાશે,