khissu

ગુજરાતના આ શહેરમાં EMI પર સૌથી સસ્તુ મળી રહ્યું છે ઘર, દેશમાં મુંબઈ સૌથી મોંઘુ

દરેક વ્યક્તિનું સપનુ હોય છે કે પોતાનું એક ઘર હોય. પરંતુ મોંઘવારીના આ સમયમાં દરેક વ્યક્તિ ઘર લઈ શકતો નથી, એવામાં જો તમે પણ EMI પર ઘર ખરીદવા માગો છે તો તમારા માટે આ કામના સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર EMI પર ઘર ખરિદવા માટે દેશના આઠ મોટા શહેરોમાં અમદાવાદ સૌથી સસ્તું શહેર છે જ્યારે મુંબઈ સૌથી મોંઘું શહેર છે.

આ અંગે નાઈટ ફ્રેન્ક દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલ એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ રિપોર્ટ-2021 મુજબ, ભારતીય બજાર એફોર્ડેબલ ઘરોના સંદર્ભમાં છેલ્લા એક દશકમાં સારી સ્થિતિમાં છે. નોંધનિય છે કે, વર્ષ 2021માં ઘરની કિંમતોમાં આવેલો ઘટાડો અને હોમ લોન પરના વ્યાજદરમાં ઘટાડો લોકો માટે રાહત લઈને આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ ઇન્ડેક્સ બતાવે છે કે શહેરમાં રહેતા પરિવારની આવકના પ્રમાણમાં માસિક હપ્તા અથવા EMI તરીકે કેટલી રકમ ચૂકવવી પડશે. આ અંગે ઉદાહરણ દ્વારા સમજીએ તો જો આ ગુણોત્તર 40 ટકા છે, તો તેનો અર્થ એ છે કે તે શહેરમાં રહેતા પરિવારે તેમની આવકના 40 ટકા EMI તરીકે ચૂકવવા પડશે. આ ઉપરાંત જો આ ઇન્ડેક્સ હેઠળની આવક સામે EMI ની ટકાવારી 50% કે તેથી વધુ હોય, તો તે શહેર રહેવા મોંઘુ માનવામાં આવે છે.

આ અંગે નાઈટ ફ્રેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હાઉસિંગ એફોર્ડેબિલિટી રેશિયામાં ઘણો સુધારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં તે 38 ટકા હતો પરંતુ આ વર્ષે તે ઘટીને 28 ટકા પર આવી ગયો  છે.

સૌથી મહત્વની વાત એ છે કે, આ રિપોર્ટમાં અમદાવાદ સૌથી સસ્તા હાઉસિંગ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. ત્યાં, પરિવારે તેની માસિક આવકના માત્ર 20 ટકા જ ઘરના હપ્તા અથવા હોમ લોનના રૂપમાં ચૂકવવી પડે છે. તો બીજી તરફ આ યાદીમાં પૂણે 24 ટકાના રેશિયા સાથે બીજા ક્રમે આવે છે. તો હવે વાત કરીએ મુંબઈની તો મુંબઈમાં, આવક-થી-માસિક હપ્તાનો ગુણોત્તર 53 ટકા છે, જે તેને સૌથી મોંઘુ હાઉસિંગ માર્કેટ બનાવે છે. તો બીજી તરફ હૈદરાબાદમાં આ પ્રમાણ 29 ટકા, બેંગ્લોરમાં 26 ટકા અને ચેન્નાઈ અને કોલકાતામાં 25-25 ટકા છે.