khissu

જો ATMમાંથી પૈસા ન નિકળે અને ખાતામાંથી ડેબિટ થઈ જાય તો રિફંડ માટે કરો આ કામ

વર્તમાન સમયમાં દરેક લોકો બેંક જવાને બદલે ATM માંથી પૈસા ઉપાડવાનું પસંદ કરે છે. પરંતુ આપણે જોયુ છે કે, ઘણી વખત ATM માંથી પૈસા ઉપાડતી વખતે ટ્રાન્ઝેક્શન ફેલ જાય છે. જો આવી સ્થિતિમાં તમારી બેંકમાંથી પૈસા કપાઈ જાય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી.

બેંકે તમને વળતર આપવું પડશે
આ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો અનુસાર, જો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય છે અને તમારા ખાતામાંથી પૈસા પણ કપાઈ જાય છે, તો તમારે તે બેંકને લેખિતમાં જણાવવું પડશે. ફરિયાદ દાખલ થયાના 7 દિવસની અંદર બેંકે તમારા ખાતામાં પૈસા પાછા મોકલવાના રહેશે. જો તમને સમયસર તમારા પૈસા પાછા નહીં મળે તો બેંકે તમને વળતર આપવું પડશે.

7 દિવસની અંદર પૈસા પરત કરવાના હોય છે
નોંધનિય છે કે, મોટા ભાગના કિસ્સાઓમાં ટ્રાન્ઝેક્શન ફેલ થયા પછી ટૂંક સમયમાં જ ગ્રાહકના ખાતામાં પૈસા પરત કરવામાં આવે છે. જો આમ ન થાય તો ગ્રાહકોએ પૈસા રિફંડ માટે બેંકમાં ફરિયાદ કરવી પડશે. આરબીઆઈના એક નિયમ મુજબ, જો બેંક તમારી ફરિયાદ નોંધાવ્યાના 7 દિવસની અંદર પૈસા પરત ન કરે તો બેંકે તમને વળતર તરીકે પ્રતિ દિવસ 100 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

ફરિયાદ કેવી રીતે નોંધાવવી
જો તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન દરમિયાન તમારુ ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો તમે UPI એપ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. UPI એપ પર ફરિયાદ નોંધાવવા માટે તમારે પેમેન્ટ હિસ્ટ્રી પર ક્લિક કરવું પડશે. જ્યાં તમારે રેજ ડિસ્પ્યુટ (Rage Dispute)પર ક્લિક કરીને તમારી ફરિયાદ નોંધાવવાની રહેશે. અહીં ફરિયાદ નોંધ્યા પછી, બેંક તમારી ફરિયાદની તપાસ કરશે. જો ફરિયાદ સાચી જણાશે તો પૈસા પરત કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શન ફેલ જવાના કિસ્સામાં આરબીઆઈએ 20 સપ્ટેમ્બર 2019થી આ નિયમ લાગુ કર્યો છે.

ATM ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો કરો આ કામ
જો તમારુ ટ્રાન્ઝેક્શન એટીએમમાંથી પૈસા ઉપાડવામાં નિષ્ફળ જાય તો તમારે ટ્રાન્ઝેક્શન ફેલ થયાના 30 દિવસની અંદર તમારી ફરિયાદ સીધી બેંકમાં નોંધાવવી પડશે. આ માટે તમારે બેંક શાખામાં જઈને તમારી ટ્રાન્ઝેક્શન સ્લિપ અથવા તમારી એકાઉન્ટ સ્ટેટમેન્ટ સ્લિપ સાથે ફરિયાદ નોંધાવવી પડશે. જો પૈસા 7 દિવસની અંદર પરત કરવામાં ન આવે, તો તમારે Annexure 5 form ભરવું પડશે. આમ કરવા માટે, તમે જે દિવસે ફોર્મ ભરો છો, તે દિવસથી બેંક તમને વળતર આપે છે.