khissu

આંશિક લોકડાઉન હોવા છતાં ડુંગળીના ભાવમાં સુધારો? આગળ જતાં ડુંગળીના ભાવ વધશે કે ઘટશે? જાણો ક્યાં કારણે ડુંગળીના ભાવ ઘટ્યા?

ડુંગળીની બજારમાં હવે ભાવમાં વધુ ઘટાડો આવે તેવા સંજોગો નથી. છેલ્લા થોડા દિવસો પહેલા લાલ ડુંગળીનો નીચો ભાવ 40-50 રૂપિયા રહેતો હતો તે હવે સુધરીને 80-90 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. આમ, આંશિક લોકડાઉન હોવા છતાં નબળી લાલ ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. 

બજારમાં ધીમી ગતિએ સુધારો આવી રહ્યો છે અને બીજી તરફ સરકારી એજન્સી નાફેડ દ્વારા પણ ગુજરાત સહિતનાં પાંચ રાજ્યોમાંથી કુલ બે લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ થવાની છે, જેના લીધે હવે બજારને પણ તેનો ટેકો મળશે. નાફેડનો આ જથ્થો બહુ મોટો નથી, પરંતુ બજારમાં આ ખરીદીની અસર મોટી થાય છે. બીજી તરફ મહારાષ્ટ્રનાં ખેડૂત સંગઠનોએ રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા. થી નીચે નાફેડને ડુંગળી વેચાણ નહી કરવા માટે અભિયાન ચાલુ કર્યું છે, જેની મોટી અસર થઈ છે. ગુજરાતનાં પણ મહુવા સહિતનાં ડુંગળીનાં ખેડૂતોએ આ પ્રકારનું અભિયાન હાથ ધરવું જોઈએ અને નીચા ભાવથી ડુંગળી વેચાણ ન કરવાની વાત લઈને આવશે તો બજારમાં થોડો સુધારો આવી શકે છે. તેમજ કિસાન સંઘ કે બીજા ખેડૂત સંગઠનોએ ડુંગળીનાં ખેડૂતોની વહારે આવવું જોઈએ. જો આવું થશે તો ડુંગળીના ભાવ આગળ જતા વધી શકે છે, પણ હાલ આંશિક લોકડાઉનના કારણે ભાવમાં મોટો વધારો થાય તેવું દેખાતું નથી.

હાલ ડુંગળીની આવકો હવે ઓછી થવા લાગી છે. લેઈટ શિયાળુ અને ઉનાળુ ડુંગળીનાં વાવેતર સારા થયા છે અને તેની આવકો પણ હવે ટૂંકમાં આવશે. હાલ ડુંગળીમાં નીચા ભાવથી કેટલાક સ્ટોકિસ્ટો પણ એન્ટર થઈ ગયા છે, જેને પગલે સરેરાશ બજારમાં હવે સુધારાની સંભાવના છે. લોકોડાઉનને કારણે માંગ ઓછી હોવાથી ઝડપી સુધારો કદાચ ન આવે, પંરતુ આ સાથે ભાવ ઘટવાની હાલ શક્યતા નથી.

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતો માટે ખાસ જાણ :- (૧) જય કિસાન સાથ જણાવવાનું કે, હાલ કોરોના મહામારીને કારણે મહુવા માર્કેટયાર્ડમાં તમામ હરરાજીનું કામકાજ બંધ છે, પરંતુ તા. ૨૧/૪/૨૧ ને બુધવારથી લાલ કાંદાને ઉતારવા દેવામાં આવશે અને લાલ કાંદાનું વેચાણ પોતાના કમીશન એજન્ટ દ્વારા ભાવ નકકી કરી કરવાનું રહેશે. જેની ખેડુભાઈઓ, કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ લેવી.

(૨) લાલ કાંદા ન લાવવા અંગે જાહેર જાણ :- કોરોના મહામારી ના કારણે બજાર સમિતિ મહુવામાં લાલ કાંદાની આવક બંધ કરવામાં આવે છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ કાંદાને પ્રવેશ આપવામાં આવશે નહીં.જેની તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓએ નોંધ લેવી.

ખાસ નોંધ: 

મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાવતા ખેડૂતોભાઈઓને જણાવવાનું કે હાલ કોરોના મહામારીના કારણે ડુંગળીની હરરાજી વગર ભાવ નક્કી કરીને વેચાણ શરૂ છે. ડુંગળીના ભાવ કમિશન એજન્ટો દ્વારા નક્કી કરવામાં આવે છે. તા. ૨૨/૦૪/૨૦૨૧ ને ગુરૂવારની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીની 23595 ગુણીની આવક સાથે કમીશન એજન્ટ દ્વારા ભાવ રૂ. 90 થી 211 સુધીના નક્કી થયા હતા તેમજ સફેદ ડુંગળીની 117274 ગુણીની આવક સાથે ભાવ રૂ. 151 થી 198 સુધીના નક્કી કરવામાં આવ્યા હતા.

ડુંગળીના ભાવ વધ્યા ત્યારે કેંદ્ર સરકારે ડુંગળીના ભાવ નિયંત્રણ લાવવા માટે પગલા લીધા હતા, જેના કારણે આપણી વિદેશી માર્કેટો આપણા હાથમાંથી સરી ગઈ છે. ફરી એ બજારો સરખી કરવા માટે નિકાસકર્તા વેપારીઓએ ઘણી મહેનત કરવી પડશે. આપણા દેશ ભારતમાં ડુંગળી ક્યારેય આયાત કરવાની જરૂર જ નથી. દેશના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તો દેશની જરૂરિયાતમાં ક્યારેય વાંધો ન પડે એટલી ડુંગળીનું ઉત્પાદન કરી શકે છે. બધા ખેડૂતો દિલથી વિનંતી કરે છે કે મહેરબાની કરીને સરકાર હવે ડુંગળી પર કોઈ નિયંત્રણો ન નાખે.

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર ગત વર્ષે છ મહિના જેટલા સમય માટે પ્રતિબંધ મૂક્યો હોવાથી હવે ભારત માટે નિકાસ બજાર ફરી હસ્તગત કરવું મુશ્કેલ બન્યું છે. ભારતની ગેરહાજરીમાં બીજા દેશોએ ભારતનું બજાર કબજે કરી લીધું હોવાથી ભારતને ફટકો પડ્યો છે. ભારતે ૨૪ સપ્ટેમ્બરથી ૩૧ મી ડિસેમ્બર દરમિયાન નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એ સમયે બિજા દેશોએ સારી એવી નિકાસ કરી હતી. ભારતનાં હોર્ટીકલ્ચરલ પ્રોડ્યુસર એક્સપોર્ટસ એસોસિએશનનાં પ્રમુખ અજીત શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાન પણ આ બધાની પાછળ છે અને ભારતનાં નિકાસ પ્રતિબંધનો લાભ તેને મળી રહ્યો છે. આપણાં પરંપરાગત ગ્રાહકો પાકિસ્તાન તરફ વળી ગયાં હતાં. 

કેન્દ્ર સરકારે છ મહિના જેટલા લાંબા સમય સુધી નિકાસ પ્રતિબંધ મુક્યા પછી ફરીથી ભારતને નિકાસ બજાર હાંસલ કરવું મુશ્કેલ બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષથી સરકાર લઘુત્તમ નિકાસ ભાવ અથવા તો નિકાસ પ્રતિબંધ મુકે છે, જેને પગલે વિશ્વમાં ભારતીય સપ્લાય અનિશ્ચિત હોવાની છાપ પડી ગઈ છે. ભારતીય નિકાસકારોને સૌથી મોટી સમસ્યા મલેશિયા, શ્રીલંકા અને ગલ્ફ દેશોમાં ફરીથી નિકાસ શરૂ કરવી મુશ્કેલ છે, કારણ કે આ દેશોમાં પાકિસ્તાન સરળતાથી નિકાસ કરે છે.