khissu

LPG સિલિન્ડર થયો 100 રૂપિયા સસ્તો, નવા વર્ષ લોકોને મળશે રાહત

નૂતન વર્ષમાં ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લોકોને ઘણી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 નોંધનિય છે કે, આ પહેલા  ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, સામાન્ય લોકો માટે રાહતની વાત એ રહી હતી કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વઘારો કરવામાં આવ્યો ન હતો. હવે નવા વર્ષે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડા થવાથી રેસ્ટોરન્ટ માલિકોને થોડી રાહત મળશે.


 હવે કંપનીએ 100 રૂપિયાનો ઘટાડો કરતા દિલ્હીમાં 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2001 રૂપિયા થઈ ગયો છે. આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધનિય છે કે, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લી વખત ઓક્ટોબરમાં વધારો કરવામાં આવ્યો હતો. જો આપણે તેની કિંમતની વાત કરીએ તો દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. જ્યારે, કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા છે.

તો તમે તમારા શહેરના એલપીજી સિલિન્ડરની સાચી કિંમત જાણવા માગતા હોય તો સરકારી તેલ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. આ માટે, તમે IOCL વેબસાઇટ (cx.indianoil.in/webcenter/portal/Customer/pages_productprice) પર જાઓ. આ પછી, વેબસાઇટ પર રાજ્ય, જિલ્લા અને ડિસ્ટ્રીબ્યૂટર સિલેક્ટ કરો અને પછી સર્ચ વિકલ્પ પર ક્લિક કરો. આ પછી ગેસ સિલિન્ડરની કિંમતો તમારી સામે આવશે જેથી તમે જાણી શકશો કે તમારા શહેરમાં એલપીજી સિલિન્ડરની કિંમત કેટલી છે.