khissu

Breaking News/ ગુજરાતને મળ્યા આજે નવા મુખ્યમંત્રી: ભાજપે શા માટે નવો ચહેરો પસંદ કર્યો, જાણો "દાદા" વિશેની રોચક વાતો

શનિવારે વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે. ગાંધીનગરમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતને આજે નવા મુખ્ય મંત્રી મળ્યા છે. આજે (રવિવારે) ગાંધીનગરમાં 3 વાગ્યે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.

ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગર સ્થિત કમલમ કચેરીએ પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી અને તરુણ ચુગ પણ ઓફિસમાં હાજર હતા. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે.

કોણ છે ભુપેન્દ્ર પટેલ: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે.  તેઓ કોંગ્રેસ પક્ષમાંથી શશીકાંત પટેલ સામે 1,17,000 થી વધુ મતોથી જીત્યા હતા. આ બેઠક યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબહેન પટેલે સંભાળી હતી. ભુપેન્દ્ર પટેલ  ફકત 12 ધોરણ પાસ છે અને કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે.

ભુપેન્દ્ર પટેલ ભૂતકાળમાં AUDA (અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ના ચેરમેન રહી ચૂક્યા છે અને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ભુપેન્દ્ર પટેલને દાદા નાં હુલામણા નામ તરીકે ઓળખવામાં આવે છે.

આ પહેલા શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત અચાનક કરી હતી. ગાંધીનગરના રાજભવનમાં મીડિયાને તાત્કાલિક બોલાવવામાં આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.