khissu

હવે દરેક દુકાનો થશે ઓનલાઈન : મફતમાં ખોલી શકશે ઈ-શોપ, એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર

જેવી રીતે એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે ઓનલાઇન ચીઝવસ્તુઓ વેંચે છે તેવી જ રીતે હવે તમારા શેરીઓ અને રસ્તાઓ પર જોવા મળતી દુકાનો પણ ઓનલાઇન ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવશે.

જી હા મિત્રો, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી ઇ કૉમર્સ કંપનીઓ મોટી મોટી દુકાનોને પોતાના પ્લેટફોર્મ પર ઓનલાઇન વસ્તુઓ વેંચવા આમંત્રણ આપે છે પરંતુ નાના વેપારીઓને એન્ટ્રી આપતું નથી ત્યારે નાના વેપારીઓ પણ પોતાની ઈ-શોપ ખોલે તે માટે CAIT એ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ટૂંક જ સમયમાં પોતાનું ઈ-કોમર્સ પોર્ટલ ખોલવા જઈ રહ્યું છે જેનું નામ 'ભારત ઈ-માર્કેટ' રાખવામાં આવશે. CAIT દેશના તમામ નાના દુકાનદારોને આ પોર્ટલ પર લાવવાની યોજના ધરાવે છે. જે માટે એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ આવા નાના દુકાનદારોથી દુર રહે છે. જેથી CAIT પહેલેથી જ તેનો વિરોધ કરી રહ્યું છે. આમ હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે CAITએ આ પહેલ શરૂ કરી છે.

મહત્વની વાત તો એ છે કે CAIT દરેક નાના વેપારીઓને ઈ-શોપ ખોલવા માટે ચાર્જ લેશે નહીં અને મફતમાં પોતાની ઈ-શોપ બનાવી શકે છે. જ્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ૫% થી ૩૫% સુધીના કમિશન લે છે.

જોકે એક રિપોર્ટ અનુસાર CAIT આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં ૭ લાખ વેપારીઓને અને ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં એક કરોડથી વધુ વેપારીઓને ભારત ઈ-માર્કેટમાં લાવવાની યોજના ધરાવે છે. જોકે દેશભરમાં ૪૦ હજારથી વધુ વેપારી સંગઠનો CAIT સાથે જોડાયેલા છે.

આ ઉપરાંત CAIT એ જણાવ્યું છે કે તેના આ ઈ-પોર્ટલ પર ચીની ચીજ વસ્તુઓ વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જોકે આ પોર્ટલનો તમામ ડેટા દેશમાં જ રાખવામાં આવશે.