Top Stories
khissu

હવે PhonePe પર પણ મળશે લોન, જાન્યુઆરીથી શરૂઆત થશે, ઘણી બેંકોએ હાથ મળાવ્યો

UPI સેવા પ્રદાન કરતી કંપની PhonePe ટૂંક સમયમાં લોન વિતરણ સેવા શરૂ કરવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે જાન્યુઆરી 2024થી ગ્રાહકોને ફક્ત PhonePe એપ્લિકેશન પર જ લોન મળવાનું શરૂ થશે. આ માટે કંપનીએ લગભગ 5 બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC) સાથે વાટાઘાટોને લગભગ આખરી ઓપ આપી દીધો છે. 

વોલમાર્ટની માલિકીની PhonePe લોન વિતરણ માટે વિતરક તરીકે કામ કરશે. તેનાથી UPI એપનો ઉપયોગ કરતા 50 કરોડથી વધુ ગ્રાહકો અને 3.7 કરોડ નાના અને મોટા વેપારીઓને ફાયદો થશે.

5 બેંકો અને NBFC એકસાથે આવશે

PhonePe કે જેણે ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં મજબૂત પકડ બનાવી છે, તે હવે નવા ક્ષેત્રોમાં શક્યતાઓ શોધી રહી છે. અહેવાલ મુજબ પાંચ બેંકો અને NBFCs PhonePe પ્લેટફોર્મ પર આવવા માટે સંમત થયા છે. ટૂંક સમયમાં કંપની આ અંગેની જાહેરાત પણ કરશે. 

લગભગ 6 મહિનામાં PhonePe પર લોકોને ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં કંપની તેના ગ્રાહક ડેટાબેઝમાંથી એવા લોકોને શોધી રહી છે જેઓ વિવિધ પ્રકારની લોન માટે પાત્ર છે. ધીમે-ધીમે કંપની તેમને ઓફર મોકલવાનું શરૂ કરશે.

50 કરોડ ગ્રાહક આધારનો આંકડો પાર કર્યો

કંપનીએ હાલમાં જ 50 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો હતો. આ ઉપરાંત, PhonePe પ્લેટફોર્મ પર લગભગ 3.7 કરોડ વેપારીઓ છે. તાજેતરમાં કંપનીએ ક્રેડિટ કાર્ડ સેવા શરૂ કરવા માટે એક્સિસ બેંક સાથે પણ વાતચીત કરી હતી. આ સેવા પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. કંપની આગામી કેટલાક વર્ષોમાં ક્રેડિટ લાઇન ઓફર કરવાની પણ યોજના બનાવી રહી છે.

કંપનીએ 56 લાખ વીમા પોલિસી વેચી છે

PhonePeની સૌથી મોટી તાકાત તેનો મજબૂત ગ્રાહક આધાર છે. તેથી, તે તેના 50 કરોડથી વધુ ગ્રાહકોનો લાભ લેવા માંગે છે. કંપની તેના પ્લેટફોર્મ પર વીમા સેવાઓ શરૂ કરીને પહેલાથી જ સફળ રહી છે. 

હાલમાં, જીવન, આરોગ્ય, મોટર અને કાર વીમો કંપનીના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ માટે PhonePe એ ACKO સહિત ઘણી કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. PhonePe દ્વારા વીમો લેવા પર, ગ્રાહકો EMI દ્વારા પણ ચૂકવણી કરી શકે છે. આ વર્ષે જુલાઈ સુધીમાં કંપનીએ 56 લાખ પોલિસીઓ વેચી છે.