khissu

મોંઘવારી માર! હવે પેરાસિટામોલ સહિત 800 દવાઓના ભાવમાં થશે તોતિંગ વધારો

પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. એપ્રિલથી, 800 થી વધુ આવશ્યક દવાઓની કિંમતમાં 10 ટકા સુધીનો સીધો વધારો થવા જઈ રહ્યો છે. આમાં તાવ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, ચામડીના રોગો અને એનિમિયાની સારવારમાં વપરાતી દવાઓ વગેરેનો પણ સમાવેશ થાય છે.

ખાદ્યપદાર્થોના ભાવ વધશે!
પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેથી સતત વધારો સામાન્ય માણસ માટે મુશ્કેલીનો વિષય બની ગયો છે. ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થવાની આશંકા છે. આ દરમિયાન મોંઘવારીની અસર દવાઓ પર પણ પડી રહી છે. કેન્દ્ર સરકારે દવાઓના ભાવમાં વધારો કરવા હવે આદેશ આપી દીધો છે. જે કારણસર એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓ 10 ટકાથી વધુ મોંઘી થઈ જશે.

દવાઓ માટે વધુ ચૂકવવા પડશે પૈસા
આવતા મહિનાથી, તમારે પેરાસીટામોલ, ફેનીટોઈન સોડિયમ, મેટ્રોનીડાઝોલ જેવી પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓ માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) અનુસાર, હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI)માં વધારાને કારણે આવું થવા જઈ રહ્યું છે. 1 એપ્રિલ 2022થી દવાઓના ભાવમાં વધારો થશે.

લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રી સતત દવાઓના ભાવ વધારવાની માંગ કરી રહી હતી. આ પછી, સૂચિત દવાઓની કિંમતોમાં 10.7 ટકા વધારાને મંજૂરી આપવામાં આવી છે. શેડ્યૂલ દવાઓમાં આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે અને તેની કિંમતો નિયંત્રિત છે, પરવાનગી વિના તેમના ભાવમાં વધારો કરી શકાતો નથી.