બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં રહેતી રાજકુમારી દેવી જેણે પોતાની મહેનત દ્વારા તેનું સફળ વ્યક્તિત્વ દર્શાવ્યું. સરૈયા ગામની રહેવાસી રાજકુમારી દેવી એ પોતાની ગરીબી તો દૂર કરી જ સાથે સાથે તેમના ગામની મહિલાઓને પણ આગળ વધવાનું માર્ગદર્શન આપ્યુ. રાજકુમારી દેવી નામની આ મહિલા હવે 'કિસાન ચાચી'ના નામથી ઓળખાય છે.
તેઓની સંઘર્ષભરી સફર
રાજકુમારી દેવીનો જન્મ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સરૈયા ગામમાં થયો હતો. તેમનાં પિતા શિક્ષક હતા. તેમના નાની ઉંમરમાં જ લગ્ન થઇ ગયા હતા. તેમના લગ્ન આનંદપુર ગામના એક ખેડૂત પરિવારમાં થયા હતા. પહેલા તેઓ શિક્ષક બનવાં માંગતા હતા, પરંતુ પરિવારના સભ્યોના વિરોધ અને ઘરની નબળી પરિસ્થિતિને કારણે તેઓએ ખેતી કરવાનું શરૂ કર્યું. તેમણે ખેતીનું વ્યવસ્થિત જ્ઞાન મેળવ્યું અને સખત મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરી.
તેઓ કહે છે કે, "હું ઘણીવાર જોતી હતી કે, મહિલાઓ માત્ર ખેતરોમાં જ કામ કરતી જોવા મળતી હતી. તેમની પાસે કોઈ પણ પ્રકારની કૃષિ તકનીકીનું જ્ઞાન નહોતું. તેઓ પુરુષોની સૂચનાઓ અનુસાર જ કામ કરતી હતી. જ્યારે મહિલાઓ ખેતરમાં સખત મહેનત કરતી હોય છે. તેથી જ મેં નક્કી કર્યું કે હું સૌ પ્રથમ જાતે કૃષિ તકનીકી જ્ઞાન લઈશ અને તે દરમિયાન અન્ય મહિલાઓને પણ તે કરવા માટે પ્રેરણા આપીશ"
બન્યા સૌના 'કિસાન ચાચી'
રાજકુમારી દેવીએ સજીવ ખેતી અપનાવીને ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને પાક ઉગાડ્યા, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળવાને કારણે તેમણે ફરીથી અથાણાં અને મુરબ્બો બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો. આજના સમયમાં કિસાન ચાચી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પણ ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ સાથે તે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સાથે જોડાઈને અથાણાં-મુરબ્બાના વ્યવસાય ચલાવી રહ્યા છે. હવે તે સાયકલને બદલે સ્કૂટી પર ચાલે છે. તેમના આ કામ માટે દેશના રાષ્ટ્રપતિ દ્વારા 'કિસાન ચાચી' ને પદ્મશ્રી એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા. હાલ તેમના ઉત્પાદનો વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
રાજકુમારી પ્રખ્યાત થયા 'કિસાન ચાચી' નામથી
રાજકુમારી દેવી હવે દેશભરમાં 'કિસાન ચાચી'ના નામથી ઓળખવામાં આવી રહ્યા છે. તેઓ ખેતીની અદ્યતન ટેકનોલોજી અને જમીનની ગુણવત્તાનું કાર્યક્ષમ મૂલ્યાંકન ધરાવતા સફળ ખેતીનું બીજું નામ બની ગયા છે. નોંધનીય છે કે 'કિસાન ચાચી' ને 2006માં કિસાન શ્રી સન્માન મળ્યું હતું, ત્યારથી જ તેમને આ નામનો ટેગ મળ્યો હતો. વર્ષ 2013 દરમિયાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે સરકારી વેબસાઇટ પર તેમના ફૂડ પ્રોસેસિંગ મોડલ મૂકવાની જાહેરાત કરી હતી. અલબત્ત તેઓ વર્ષ 2015 અને 2016માં અમિતાભ બચ્ચનનાં પ્રખ્યાત શો KBC સાથે પણ જોડાયા હતા.