khissu

લો બોલો ! હવે ખેડૂતોને પણ મોંઘવારીનો માર, રાસાયણિક ખાતરોમાં ભયંકર વધારો

દેશની આમ જનતા હાલ ઘણી બધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાં મોંઘવારીનો માર સહન કરી રહી છે. પહેલા ગેસ સિલિન્ડર પછી પેટ્રોલ-ડિઝલ ત્યારબાદ સીંગતેલ તથા કપાસિયા તેલ ઉપરાંત ઘણી ચીજવસ્તુઓ મોંઘી થઈ છે અને હવે સરકાર ખેડૂતોને પણ ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ બધી એવી ચીજ વસ્તુઓ છે જે લોકોએ ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

જી હા મિત્રો, ખેડૂતો પોતાનો પાક ઉગાડવા જે ખાતરનો ઉપયોગ કરે છે તેના ભાવ વધારી દેવાયા છે. તેથી જો ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ મોંઘો થશે તો શાકભાજી અને કપાસ તથા ડુંગળી જેવા પાકોના ભાવમાં પણ વધારો થશે. આમ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સામાન્ય નાગરિકને પણ તેની અસર થશે.

સરકારે રાસાયણિક ખાતરોમાં વધારો કરી નાખ્યો છે જેમાં DAP ખાતરમાં ૧૨૦૦ રૂપિયાની જગ્યાએ ૧૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે, NPK ખાતરમાં ૧૧૨૫ રૂપિયાની જગ્યાએ ૧૪૦૦ રૂપિયા થયાં, ASP ખાતરમાં ૯૭૫ રૂપિયાની જગ્યાએ ૧૧૫૦ રૂપિયા થયાં.

આમ રાસાયણિક ખાતરોમાં લગભગ ૩૦૦ રૂપિયાનો વધારો કરી દેવાયો છે જે ૧ માર્ચથી લાગુ થશે. હવે ૧ માર્ચથી ખેડૂતોએ રાસાયણિક ખાતર ખરીદવા વધુ ભાવ ચુકવવો પડશે. રાસાયણિક ખાતરમાં વધારો થતાં જ ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે જેથી ખેડૂતો પણ મોંઘવારીના દાયરામાં આવી ગયા છે.

સરકાર એક પછી એક વસ્તુઓના ભાવ વધારતી જાય છે અને લોકો તેને સહન કરતાં રહે છે. હવે તો જોવાનું એ રહ્યું કે કયા સુધી લોકો આ મોંઘવારીને સહન કરતાં રહેશે. સરકારને જાણ જ છે લોકો ખૂબ પરેશાન થઈ ગયા છે પણ એ પણ જાણે છે કે લોકોને સહન કરવાની આદત છે.