Top Stories
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મેળવવામાં મુશ્કેલી થતી હોય તો કરો આ કામ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મેળવવામાં મુશ્કેલી થતી હોય તો કરો આ કામ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો હેતુ એ છે કે 2022 સુધીમાં તમામ બેઘર લોકોને ઘર અપાવવા. આ યોજના દ્વારા ઘણા લોકોને ઘર મળ્યા છે. લોકોનું ઘરનું ઘર મેળવવાનું સપનું સાકાર થયું છે. તો સમાજમાં કેટલાંક લોકો એવા પણ છે કે જેઓને આવાસ મેળવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. કોઇ જગ્યાએ તેમનું આ કાર્ય અટકી પડતું હોય છે. જેથી ઘણી ફરિયાદો ઉભી થતી હોય છે. જો તમે પણ તેમાનાં જ એક નાગરિક છો તો આજે તમારી આ તકલીફનું નિવારણ અમે લાવ્યા છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની ખાસિયત
ઉલ્લેખનીય છે કે, આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર આપવા માટે વર્ષ 2015માં "પ્રધાનમંત્રી આવાસ યોજના" શરૂ કરવામાં આવી હતી. તેનું લક્ષ્ય વર્ષ 2022 સુધીમાં દરેક વ્યક્તિને ઘર ઉપલબ્ધ કરાવવાનું છે. આ યોજના થકી ઝૂંપડપટ્ટી, કાચા મકાનોમાં રહેતા લોકોને સરકાર આવાસ આપે છે. ઉપરાંત, જે લોકો લોન, મકાન અથવા ફ્લેટ ખરીદે છે તેમને સરકાર સબસિડી રૂપે મદદ આપે છે.

અહીં કરી શકો ફરિયાદ
જો તમે આવાસ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને તેમાં મુશ્કેલી આવી રહી છે તો તમે આ યોજના સંબંધિત મુશ્કેલીને કોઇ પણ ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે હલ કરી શકો છો. તમે અહીં આવાસ સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો. તેઓ દ્વારા ફરિયાદ મળ્યાની તારીખથી 45 દિવસની અંદર ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત જો તમારે વધુ માહિતી જોઇતી હોય તો, તમે તમારા સ્થાનિક હાઉસિંગ આસિસ્ટન્ટ અથવા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરનો સંપર્ક કરી શકો છો.

અરજી કરવાની રીત
PMAYની સરકારે એક એપ બનાવી છે. જેનું નામ છે હાઉસિંગ એપ. આ એપમાં તમે અરજી કરી શકો છો. તેને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. હાઉસિંગ એપ ડાઉનલોડ કર્યા પછી તમારે લોગીન આઈડી બનાવવાનું રહેશે. આ ID તમારા મોબાઈલ નંબર ઉપરથી જનરેટ થશે સાથે તે નંબર પર એક OTP આવશે. તે એન્ટર કરવાનું રહેશે તથા જરૂરી માહિતી આપવાની રહેશે.

યોજના માટે અરજી આવ્યા બાદ કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. આ પછી, લાભાર્થીઓની અંતિમ યાદી PMAYGની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. આ સાથે જ સરકાર દ્વારા પાકાં મકાનો બનાવવા માટે ફંડ આપવાની સાથે જૂના મકાનને પાકું બનાવવા માટે પણ મદદ કરવામાં આવી રહી છે.