Top Stories
khissu

યોજના ૨૦૨૧ / મુખ્યમંત્રી બાળ સેવા યોજના: આ બાળકોને મળશે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય વીમો, માસિક સહાય વગેરે...

રાજ્યમાં કોરોના સંક્રમણ ની બીજી લહેર એક કુદરતનો કહેર કહી શકાય, રાજ્યમાં મોટી સંખ્યામાં કોરોના નો ભોગ બનેલા પરિવારોએ તેમના નજીકના લોકો ગુમાવ્યા છે. હજારો બાળકો તેમના માતા-પિતાના કરુણ મોતથી અનાથ બન્યા છે. રાજ્યમાં એવા બાળકો જેમણે પોતાના માતા-પિતા બંને ગુમાવ્યા છે તેવા બાળકોને આર્થિક સહાય આપીને તેમને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મળશે.

મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટી ની બેઠકમાં આ બાળ સેવા યોજના જાહેર કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નીચે મુજબની જાહેરાત કરી.

  •  18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અને માતા-પિતા બંનેનું કોરોના માં અવસાન થયું હોય તેવા બાળકોને દર મહિને બાળક દીઠ રૂપિયા ચાર હજારની સહાય અપાશે.
  • પુખ્ત વયના બાળકો જેનો અભ્યાસ ચાલુ હશે તેવા બાળકોને એકવીસ વર્ષ સુધી આફ્ટર કેર યોજનામાં માસિક રૂ. 6000 ની સહાય આપવામાં આવશે.
  • માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન નાં લાભ કોઈપણ જાતની આવક મર્યાદા વગર પ્રાયોરિટી ધોરણે અપાશે.
  • માતા-પિતા બંને ગુમાવેલા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ યોજના અંતર્ગત મળવાપાત્ર તબીબી સારવાર અગ્રતા ક્રમે મળશે.
  • 21 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક યુવતીઓ ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા હોય તેમને અભ્યાસના વર્ષ અથવા તેમની 24 વર્ષની ઉંમર પૂરી થાય એમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજના અન્વયે દર મહિને 6000 રૂપિયાની સહાયનો લાભ મળશે, એટલે કે ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમો આ યોજના માટે માન્ય ગણવામાં આવશે.
  • રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આદિ જાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ સ્કોલરશીપ જે તે વિભાગના ઠરાવ, પરિપત્રો, નિયમોને આધીન મંજૂર કરાશે.
  • રાજ્યમાં અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન કોઇપણ જાતિની આવકમર્યાદા ધ્યાનમાં લીધા વગર અગ્રતાના ધોરણે આપવામાં આવશે.
  • અનાથ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અન્વયે આવરી લેવામાં આવશે અને તેના લાભો કોઈપણ જાતિની આવક મર્યાદા સિવાય પ્રથમ ધોરણે આપવામાં આવશે.
  • મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે 14 વર્ષથી ઉપરના વયના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષની ઉપરના બાળકોનો સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ સરકારી ખર્ચે અગ્રતાના ધોરણે આપવામાં આવશે.
  • જે દીકરીઓ એ પોતાના માતા પિતા ગુમાવ્યા છે તેવી નિરાધાર કન્યાઓને લગન માટે કુંવરબાઇ નુ મામેરું યોજના અંતર્ગત સમાવેશ કરીને આ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે અને યોજના અન્વયે મામેરાની રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ લેતા બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રિય ખાદ્ય સુરક્ષા અન્વયે અગ્રતાનાં ધોરણે આવરી લેવામાં આવશે. જેથી આવા પરિવારો ને દર મહિને રાહત દરે ઘઉં, ચોખા, ખાંડ વગેરે અનાજ મળી રહે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકાર નો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત રહેશે. કોરોના સંક્રમણ માં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે તેવા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને પણ આ અગાઉ ઉદાર સહાય આપીને તેમના પરિવારોની દુઃખની ઘડીએ તેમની પડખે ઊભી રહી છે.