Top Stories

વાહન હોય તો જાણી લેજો, કલર કોડેડ સ્ટીકર લગાવી દેજો, નહિતર ભરવો પડશે મસમોટો દંડ

રસ્તા પર કાર અથવા બાઇક ચલાવવા માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્ર, પ્રદૂષણ પ્રમાણપત્ર અને વીમા કાગળો હોવા જરૂરી છે. હવે આ વસ્તુઓની સાથે તમારે એક બીજી વસ્તુ પણ રાખવી પડશે. દિલ્હી સરકારે તમામ વાહનો માટે મહત્વનો નિયમ લાગુ કર્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ નિયમ શું છે અને તેનું પાલન ન કરવા પર કેટલો દંડ ભરવો પડશે.

હવે દરેક વાહનની વિન્ડશિલ્ડ પર કલર-કોડેડ ફ્યુઅલ સ્ટિકર લગાવવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પોલિસી હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ પોલિસી 2012-13માં શરૂ કરવામાં આવી હતી. આ હોલોગ્રામ આધારિત, ટેમ્પર-પ્રૂફ સ્ટીકરો છે, જે એકવાર લગાવ્યા પછી હટાવવા મુશ્કેલ છે.

કલર-કોડેડ ફ્યુઅલ સ્ટીકરો લાગુ કરવાનો હેતુ ?
આ સ્ટીકરોનો હેતુ વાહન કયા ફ્યુઅલ પર ચાલે છે તેની ઓળખ સરળતાથી થઈ શકે તેનો છે. આ સાથે પર્યાવરણની દેખરેખની વ્યવસ્થા પણ બનાવવામાં આવશે. આ સ્ટીકરોની મદદથી ટ્રાફિક પોલીસ અને પ્રદૂષણ નિયંત્રણ એજન્સીઓ તરત જ વાહનના ફ્યુઅલના પ્રકારને ઓળખી શકે છે.

3 પ્રકારના ફ્યુઅલ સ્ટિકર્સ
ફ્યુઅલ સ્ટિકર્સ 3 રંગોમાં આવે છે. જેમાં આછો વાદળી, નારંગી અને ગ્રે રંગના સ્ટીકર છે. આછા વાદળી રંગનું સ્ટીકર પેટ્રોલ અને CNG વાહનો માટે છે. નારંગી સ્ટીકર ડીઝલ વાહનો માટે છે. ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને અન્ય ફ્યુઅલવાળા વાહનોને ગ્રે સ્ટિકરથી ઓળખવામાં આવશે.

કેટલો દંડ થશે ?
દિલ્હી પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો આ નિયમનું પાલન નહીં કરે તેમની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો તમે નિયમોનું પાલન નહીં કરો, તો તમારે મોટર વાહન અધિનિયમની કલમ 192(1) હેઠળ દંડ ચૂકવવો પડી શકે છે. આ અંતર્ગત 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત જો તમારા વાહનમાં આ સ્ટીકર નથી, તો તમને PUC પ્રમાણપત્ર મળશે નહીં, એટલે કે તમે કાયદેસર રીતે વાહન ચલાવી શકશો નહીં.