ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે. ખેડૂતો રાત-દિવસ કે ઠંડી-ગરમી, વરસાદ જોયા વગર પોતાના ખેતરમાં ઘણી મહેનત કરીને પાક ઉગાડે છે. ખેતી કરતી વખતે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આટલી મહેનત કરવા છતાં અમુકવાર કુદરતી આફતના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે, એટલે કે તેમની મહેનત પર પાણી ફરી વળતું હોય છે. આવી સ્થિતિમાં આર્થિક રીતે નબળા ખેડૂતોની હાલત વધારે ખરાબ થઈ જાય છે.
ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે. આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana). આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે ત્રણ વખત 2,000 રૂપિયાના હપ્તામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા ખેડૂતોને અપાઈ ચૂક્યા છે. હવે ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જોકે, કેટલાક ખેડૂતો એવા પણ છે જેમના બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની રકમ જમા થઈ નથી. એટલે કે તેમનો 21મો હપ્તો અટકી ગયો છે. આ ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો કેમ જમા નથી થયો? આ અટકી ગયેલી રકમ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે? ચાલો આ વિશે જાણીએ.
પહેલું કારણ એ હોઈ શકે કે જમીનનું સત્યાપન થયું ન હોય. જો આ કામ ન થયું હોય તો તમારો હપ્તો રોકાઈ શકે છે. હપ્તાનો લાભ ન મળવાનું બીજું કારણ એ હોઈ શકે કે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ ન થઈ હોય. સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસા સાચા વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, તેની તપાસ માટે કેવાયસી (KYC) કરવામાં આવે છે. જો તમે આ કામ પૂર્ણ ન કરો તો તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે.
કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરે છે. આ હપ્તો ડીબીટી (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. જો તમારા બેંક ખાતામાં ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય તો તમારો હપ્તો અટકી શકે છે. તેથી, તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી વિકલ્પ જરૂર ચાલુ કરી લો.
અટકી ગયેલો હપ્તો ક્યારે આવશે? - જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો અને કોઈ કામ પૂર્ણ ન થવાને કારણે તમારો હપ્તો રોકાઈ ગયો છે, તો તમારે તે કામ તુરંત પૂર્ણ કરી લેવું જોઈએ. તમારું કામ પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર તમારું નામ કેન્દ્ર સરકારને મોકલશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર આગામી હપ્તા સાથે અટકી ગયેલા હપ્તાના પૈસા તમારા બેંક ખાતામાં જમા કરી શકે છે. એટલે કે જો તમારો 21મો હપ્તો અટકી ગયો છે તો આગામી 22મા હપ્તા સાથે તમને એકસાથે 4 હજાર રૂપિયા મળશે.