દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, 8મુ પગાર પંચ આ તારીખથી લાગુ

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, 8મુ પગાર પંચ આ તારીખથી લાગુ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. બહુ ચર્ચિત 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી જ અમલમાં આવશે. જો કે તેની સત્તાવાર જાહેરાત અથવા અમલમાં થોડી મોડાશ થઈ શકે, છતાં પગાર વધારો અને ભથ્થાંનો હિસાબ 1 જાન્યુઆરી 2026થી જ માન્ય ગણાશે. જો સરકાર તેનું નોટિફિકેશન થોડું મોડું બહાર પાડે તો પણ પગાર વધારા અને ભથ્થાંની અસર જાન્યુઆરી 2026 થી ગણવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને આનો સીધો લાભ મળશે.

નેશનલ કાઉન્સિલ-જ્વાઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે દરેક પગાર પંચનો લાભ સમયસરથી જ આપવામાં આવે છે. એટલે આ વખતે પણ કર્મચારીઓને બાકી રકમ સહિતનો લાભ જાન્યુઆરી 2026થી જ મળશે.

આ પગાર પંચથી કુલ 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે. મિશ્રાએ જણાવ્યું કે પગાર પંચની રચના થયા બાદ હિતધારકો સાથે ચર્ચા થશે, ત્યારબાદ ભલામણો સરકારને મોકલાશે. મંજૂરી મળ્યા પછી તે અમલમાં આવશે. સાતમા પગાર પંચ વખતે પણ સરકાર દ્વારા વધારેલા પગારને જુલાઈ 2016થી અમલમાં લાવવામાં આવ્યો હતો, પણ કર્મચારીઓને જાન્યુઆરી 2016થી છ મહિનાનો બાકી રકમ ચુકવવામાં આવી હતી. એટલે આ વખતે પણ કર્મચારીઓને પાછલા મહિનાનો બાકી હિસાબ મળશે.

રિપોર્ટ્સ મુજબ, 8મા પગાર પંચથી 30થી 34 ટકા સુધીનો પગાર વધારો થવાની શક્યતા છે. સાથે મોંઘવારીનો દર 6-7% સુધી રહેવાની ધારણા છે. હકીકતમાં નવા પગાર સ્ટ્રક્ચરનું લક્ષ્ય મોંઘવારી અને આર્થિક વિકાસ પ્રમાણે પગાર ગોઠવવાનો રહેશે. હાલ સરકાર તરફથી સત્તાવાર જાહેરખબર આવી નથી, પરંતુ કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા છે કે 2026થી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.