હાલના દિવસોમાં દિલ્હીથી ગુજરાતમાં અને ગુજરાતથી દિલ્હી સુધી નેતાઓ હડિયાપટ્ટી કરી રહ્યાં છે. કોઇપણ સમાજ લેવલના નાના-મોટા કાર્યક્રમોમાં સ્થાનીક લેવલના નેતાઓ હાજરી પુરાવા લાગ્યા છે.
અનેક પ્રજાલક્ષી ખાતમુહૂર્તો અને ઉદ્દઘાટનોમાં નેતાઓ હાજર થઇ, રૂપાળી જાહેરાતો કરી રહ્યાં છે. બે મહિના પહેલા પાયાના ખાતરોમાં ભાવ વધારો ઝીંક્યા પછી, ફરી એ લોકો જ ભાવ ઘટાડવાની વિચારણા કરી રહ્યાંછે. કોલસાને કારણે રાજ્યમાં વીજ કટોકટી ઉભી થઇ છે, તો પણ ખેતીમાં પુરતી વીજળી આપવા, સરકારના હુકમથી વીજતંત્ર ઉંધેકાંધ થયું છે. 23, એપ્રિલના રોજ ગાંધીનગરમાંથી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યાંના સમાચાર છે.
ખેડૂતોને બેંકમાંથી પાક ધિરાણ લીધાનું વ્યાજ ન ભરવું પડે, તે માટે 4 ટકા વ્યાજની સહાય રાજ્ય સરકારે છૂટી કરી છે. અગાઉ આ પ્રકારની ઘણી જાહેરાતો થયા પછી પણ બેંકો ખેડૂતોને ધિરાણ નવું-જુનું કરતી વખતે જવાબ આપી દેતી હતી કે અત્યારે વ્યાજ સમેત આટલી રકમ ભરી દો. સરકાર રૂપિયા આપશે, એ તમારા ખાતામાં જમા થશે. આ બાબતે ખેડૂતોની નારાજગી બહું હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને ધિરાણ પર લાગતા 7 ટકાના વ્યાજમાં કેન્દ્ર તરફથી એક વર્ષ પહેલા રકમ ભરપાઇ કરો, તો 3 ટકા સહાય ચૂકવાની જાહેરાત જુની છે. બાકીની 4 ટકા વ્યાજ રાહત રાજ્ય સરકાર તરફથી મળતી હતી.
જોઇએ હવે રાજ્ય સરકારે છુટ્ટી કરેલ 4 ટકા વ્યાજ રાહત બેંકોમાં ક્યારે પહોંચે છે. આ બધી જાહેરાતો ચૂંટણી ઇફેક્ટનું પરિણામ કહી શકાય. દરેક સરકાર એટલી તો શાણી હોય જ છે કે ચૂંટણીના ચાર-છ મહિના પૂર્વે ખેડૂતને સાચવી લઇએ, એટલે બેડો પાર થઇ જાય.