સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની હવામાનની આગાહી કરી છે. છેલ્લા 22 કલાકમાં ગુજરાતના 224 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં બોટાદ, સુરેન્દ્રનગર, જામનગરમાં ચોમાસાએ ધડબડાટી બોલાવી દીધી છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, આજે પણ કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે બુધવારે ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી અને દમણ, તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આવતીકાલ એટલે ગુરુવારે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આશંકા છે. આ સિવાય ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આરંભમાં જ તોફાની વરસાદથી નદીનાળા છલકાઈ ગયા છે તો બીજી તરફ અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિએ ભારે તબાહીનું સામ્રાજ્ય ખડું કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં વિતેલા 36 કલાકમાં 5થી માંડીને 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં અનેક ડેમમાં નવા પાણીની આવક થઈ છે તો નદીઓમાં ઘોડાપૂરથી અનેક વિસ્તારો ડૂબી ગયા છે.