khissu

આ રાજ્યમાં આજથી પેટ્રોલ અને ડીઝલ નહીં મળે, 6712 પેટ્રોલ પંપ બંધ, તમામ પંપ સંચાલકો હડતાળ પર ઉતર્યા

Business News: રાજસ્થાનના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમની માંગણીઓને લઈને સંચાલકોએ રાજ્યમાં 6712 પેટ્રોલ પંપ બંધ કરી દીધા છે. પરિણામ એ આવ્યું કે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાના વાહનોની ટાંકી એક દિવસ અગાઉથી ભરી દીધી. 14મી સપ્ટેમ્બરની મોડી રાત સુધી પણ પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના રાજ્ય પ્રમુખ રાજેન્દ્ર સિંહ ભાટીએ જણાવ્યું હતું કે પડોશી રાજ્યોની સરખામણીએ રાજસ્થાનમાં પેટ્રોલ 10-12 રૂપિયા મોંઘું છે. જ્યારે ડીઝલ 5-7 રૂપિયા મોંઘુ થયું છે. તેનું કારણ રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ઊંચો વેટ છે. પ્રજા અને સંચાલકોને પણ નુકશાની વેઠવી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સમયે પેટ્રોલ પર જે વેટ વધાર્યો હતો તે અત્યાર સુધી ચાલુ છે. આ ઘટાડવાની જરૂર છે. કેટલાક લોકો અન્ય રાજ્યોમાંથી ડીઝલ લાવી અહીં ગેરકાયદેસર રીતે વેચી રહ્યા છે. જેના કારણે સ્થાનિક સંચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સંગઠનની માંગ છે કે સરકારે વેટ ઘટાડવો જોઈએ, જેથી અમારે આર્થિક નુકસાન વેઠવું ન પડે.

આ પહેલા પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા સહિતની વિવિધ માંગણીઓ માટે પેટ્રોલ પંપ સંચાલકો 13 સપ્ટેમ્બરથી પ્રતિકાત્મક હડતાળ પર ઉતર્યા હતા. બે દિવસ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી હડતાળ પાળવામાં આવી હતી. પરંતુ રાજ્યની ગેહલોત સરકારે પંપ સંચાલકોની માંગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. ઓપરેટરોનું કહેવું છે કે સરકાર માંગણીઓ સ્વીકારતી નથી તેથી તેઓને અચોક્કસ મુદતની હડતાળનું પગલું ભરવાની ફરજ પડી છે.