હવે દિવાળીનો તહેવાર એકદમ નજીક છે. લોકો જોરોશોરોથી દિવાળીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવું લખાયું છે કે "નથી જગવિસ્તારે એક જ માનવી, પશુ છે પંખી છે વનોની છે વનસ્પતિ" એટલે કે આ પૃથ્વી માત્ર માણસની નથી પશુ પંખી તેમજ વનસ્પતિ પણ સૃષ્ટિમાં વસવાટ કરે છે. માણસે આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આજ વાતને સાર્થક કરવા માટે પાવ-ઉત્સવ દ્વારા વડોદરામાં વીએફએફ મલ્ટિપલ પાર્ક ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું શ્વાનની દિવાળી...
આ કાર્યક્રમમાં વડોદરા શહેરના અનેક પેટ પેરેન્ટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સમગ્ર ઇવેન્ટ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવી હતી. જેથી કરીને વધારે લોકો આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે અને પશુઓ પ્રત્યે તેમજ અબોલ જીવો પ્રત્યે અન્યાય થતો બચાવી શકાય. આ સમગ્ર કાર્યક્રમ અનેક રીતે અલગ હતો. પ્રથમ વાર વડોદરામાં શ્વાનને લઈને આ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
શ્વાનના જાણીતા ડોક્ટર પણ આ કાર્યક્રમમાં હાજર રહીને લોકોને દિવાળી નિમિત્તે તેમજ અન્ય તહેવારમાં પણ શ્વાનને થતા નુકસાનથી બચાવવા માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા હતા. આ સાથે જ શ્વાનને લગતી અલગ અલગ રમતો પણ રમાડવામાં આવી હતી. પેરેન્ટ્સની સાથે સાથે શ્વાન પણ સમગ્ર કાર્યક્રમમાં ખુશખુશાલ થઈ ગયા હતા.
પાવ-ઉત્સવ અવાર-નવાર આવા સેવાકીય કાર્યક્રમો કરતું રહે છે. સુરતમાં પણ ખુબ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં તેઓ અમદાવાદ અને પુણે ખાતે પણ ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. વડોદરા ખાતેના કાર્યક્રમમાં પણ નિશુલ્ક પણે પેટ પેરેન્ટ્સને બોલાવી આવી અનોખી ઇવેન્ટ કરી ભાગ લેનાર દરેક લોકોને ગિફ્ટ આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.