Top Stories

ખેડુતોની ચિંતામાં વધારો, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન ખાતાની આગાહી

માર્ચ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચે ગયો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ મહિનામાં ગુજરાતના હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, એ. કે. દાસે ગુરુવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે 28 માર્ચના રોજ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું ઘટી શકે છે. જે બાદ 29, 30 અને 31મી તારીખના રોજ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે તાપમાન ઘટશે. હાલ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેથી તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો તેમાં તેમણે પણ માવઠાની આગાહી આપી છે. તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચના અંતિમ દિવસોમાં પવનની થોડી સ્પીડ જોવા મળશે. આ બહુ મોટો ફેરફાર નહીં હોય. કેટલાક વિસ્તારોમાં ઝટકાંના પવનો હશે તે વધુ હશે

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે છે