ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ ભરઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. કાળઝાળ વરસતી ગરમીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 31મી માર્ચથી એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ બદલાતી મોસમમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.
IMD DEPARTMENT AHMEDABAD એ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે. પરંતુ મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે 31 માર્ચથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં થંડર સ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 31મી માર્ચના રોજ એટલે કે, આજે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે પહેલી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, નર્મદા, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.
બીજી એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્રીજી એપ્રિલે નર્મદા, તાપીમાં કમોસમી વરસાદ સંભાવના છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 31મી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે. સૌપ્રથમ આ પલટો દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે. પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે. છૂટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે. 31 માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટાં પડી શકે
અંબાલાલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે અંબાલાલ પટેલે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, આંધી વંટોળની શક્યતાઓ રહેશે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે વાતાવરણમાં બદલાવ આવશે. આ બદલાતી સ્થિતિની અસર ગુજરાત પર જોવા મળશે. અંબાલાલ પટેલ કહે છે કે, 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે, ઘણા ભાગમાં વાદળછાયું અને વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે.