PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC સહિત નાની બચત યોજનાઓના વ્યાજ દરો અંગે સરકારે નિર્ણય લઈ લીધો છે. ખરેખર, સરકારે 1 જુલાઈથી શરૂ થતા બીજા ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર) માટે પીપીએફ સહિત નાની બચત યોજનાઓ (Small Savings Schemes)ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આવું સતત છઠ્ઠા ક્વાર્ટર (છઠ્ઠા ત્રિમાસિક)માં થયું છે, જ્યારે સરકારે આ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક (બીજા ક્વાર્ટર)માં અત્યારે જે વ્યાજ દરો ચાલી રહ્યા છે, તે વ્યાજ દરો યથાવત રહેશે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પહેલાં, એપ્રિલ-જૂન (Q1FY2024-25), જુલાઈ-સપ્ટેમ્બર (Q2FY2024-25), ઓક્ટોબર-ડિસેમ્બર (Q3FY2024-25), જાન્યુઆરી-માર્ચ (Q4FY2024-25) અને એપ્રિલ-જૂન (Q1FY2025-26)માં સ્મોલ સેવિગ્સ સ્કીમ્સના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાની બચત યોજનાઓના વ્યાજ દરો:
- સુકન્યા સમૃદ્ધિ યોજના - 8.2 ટકા
- 3 વર્ષની ટર્મ ડિપોઝિટ - 7.1 ટકા
- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) - 7.1 ટકા
- પોસ્ટ ઓફિસ બચત જમા યોજનાઓ - 4 ટકા
- કિસાન વિકાસ પત્ર - 7.5 ટકા (115 મહિનામાં મેચ્યોર)
- રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) - 7.7 ટકા
- માસિક આવક યોજના - 7.4 ટકા
- વરિષ્ઠ નાગરિક બચત યોજના - 8.2 ટકા
11 સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ચલાવે છે સરકાર
કેન્દ્ર સરકાર કિસાન વિકાસ પત્ર, પીપીએફ, વરિષ્ઠ નાગરિક બચત યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસ બચત ખાતું અને રાષ્ટ્રીય બચત માસિક આવક યોજના જેવી 11 મુખ્ય નાની બચત યોજનાઓ (Small Savings Schemes) ચલાવે છે. આ યોજનાઓમાં વિવિધ સમયગાળા માટે નાની બચતમાં પૈસા જમા કરી શકાય છે. કેટલીક યોજનાઓમાં પૈસા રોકવા પર સરકાર ટેક્સમાં છૂટ પણ આપે છે.