Top Stories

આજથી લાગુ થઈ ગયા ફેરફાર, જાણી લેજો નહિતર ખિસ્સા પર પડશે અસર

આજે 1 જુલાઈ 2025થી દેશભરમાં ઘણા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થયો છે, જેના સીધો પ્રભાવ સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખર્ચ પર પડશે. નવા નિયમો બેંકિંગ, રેલવે અને આધાર-પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કે આજથી કયા મોટા નિયમોમાં બદલાવ થયો છે.

ATM ટ્રાન્ઝેક્શન પર લાગશે વધુ ચાર્જ

ICICI બેંકે પોતાના ગ્રાહકો માટે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે અન્ય બેંકોના ATMથી નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવા પર ₹23 અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે ₹8.50 ચૂકવવા પડશે, જ્યારે અગાઉ એ ચાર્જ અનુક્રમે ₹21 અને ₹5 હતો. મેટ્રો શહેરોમાં દર મહિને 3 મફત ટ્રાન્ઝેક્શન અને અન્ય શહેરોમાં 5 મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા યથાવત્ રહેશે.

HDFC ક્રેડિટ કાર્ડ પર લાગશે નવા ચાર્જ

HDFC બેંકે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કરવાની તૈયારી કરી છે. નવા નિયમો હેઠળ જો ગ્રાહક દર મહિને ગેમિંગ એપ્લિકેશનો પર ₹10,000 સુધી ખર્ચ કરે છે, તો તે ખર્ચ પર 1%નો વધારાનો ચાર્જ લેવામાં આવશે.

સાથે જ, જો ગ્રાહક Paytm, PhonePe, Freecharge જેવી થર્ડ-પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનો દ્વારા HDFC ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરે છે, તો એ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ પર પણ 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ કરવામાં આવશે. આમ, ગ્રાહકો માટે હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલાં નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી બન્યું

પાન કાર્ડ માટે આધાર ફરજિયાત

હવે પાન કાર્ડ માટે અરજી કરતા સમયે આધાર કાર્ડ ફરજિયાત છે. 1 જુલાઈ 2025થી લાગુ થયેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના નિયમ મુજબ, આધાર વિના પાન કાર્ડ માટે અરજી કરવામાં નહીં આવે. એટલે કે, જે વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરવા ઇચ્છે છે, તેને ફરજિયાત રીતે આધાર સાથે અરજી કરવી પડશે. આ બદલાવનો ઉદ્દેશ આવકવેરા વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાનો અને ફ્રોડ અટકાવવાનો છે. તેથી, જો તમારું આધાર કાર્ડ હજુ સુધી પાન સાથે લિંક નથી કરેલું, તો તમે તરત તે પ્રક્રિયા પૂર્ણ કરો.

HDFC ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલ ભરતા પહેલા જાણો આ નવો નિયમ

HDFC બેંકે યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ નવો નિયમ લાગુ કર્યો છે. 1 જુલાઈ 2025થી જો તમે HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા દર મહિને ₹50,000થી વધુ યુટિલિટી બિલ ચૂકવો છો, તો તમારા પર 1% વધારાનો ચાર્જ લાગશે. એટલું જ નહીં, હવે ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન માટે પણ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો ઈંધણ માટેના ટ્રાન્ઝેક્શન ₹15,000થી વધારે હશે, તો તેના પર પણ 1% ચાર્જ વસૂલાશે.

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર (LPG Cylinder Price)

દર મહિને 1 તારીખે તેલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. 1 જુલાઈ, 2025ના રોજ પણ નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે 1 જુલાઈના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર ₹58.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.

જુલાઈમાં બેંકો 13 દિવસ રહેશે બંધ

જુલાઈ 2025માં તહેવારો અને વીકએન્ડ રજાઓને લીધે દેશભરની બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે. મહત્વના બેંકિંગ કામો વિલંબિત ન થાય, તે માટે ગ્રાહકોને પૂર્વ યોજના સાથે પગલાં ભરવા સલાહ આપવામાં આવે છે. જો કે, આ ડિજિટલ યુગમાં ઓનલાઈન બેંકિંગ, UPI અને ATM સેવાઓ નિયમિત રીતે કાર્યરત રહેશે.

ATF, CNG અને PNGના ભાવમાં થઇ શકે છે ફેરફાર

1 જુલાઈથી એર ટર્બાઇન ફ્યુઅલ (ATF), CNG અને PNGના દરોમાં પણ સુધારા થઈ શકે છે. જો ATFના ભાવમાં વધારો થાય, તો હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. જ્યારે CNG અને PNGના ભાવોમાં થતા બદલાવનો સીધો અસર વાહનચાલકોના માસિક ખર્ચ પર પડશે.

તત્કાલ રેલવે ટિકિટ બુકિંગ માટે હવે ફરજિયાત હશે OTP ઓથન્ટિકેશન

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે One Time Password (OTP) ઓથન્ટિકેશન ફરજિયાત રહેશે. યુઝર જ્યારે IRCTCની વેબસાઈટ કે મોબાઈલ એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરશે, ત્યારે તે માટે લિંક કરાયેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. એના વેરિફિકેશન પછી જ ટિકિટ બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે.