Top Stories
બેંક નહીં આ બચત યોજનામાં મળશે 8 ટકાથી વધુ વ્યાજ, પૈસા પણ સુરક્ષિત રહેશે

બેંક નહીં આ બચત યોજનામાં મળશે 8 ટકાથી વધુ વ્યાજ, પૈસા પણ સુરક્ષિત રહેશે

આરબીઆઈ એ રેપો રેટ ઘટાડતા બેંકોએ હોમ લોન સસ્તી કરી છે પણ બીજી બાજુ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદર ઘટાડ્યા છે. થાપણદર ઘટાડનાર બેંકોની યાદીમાં એસબીઆઈ, બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, યસ બેંક, પીએનબી અને કેનેરા બેંક વગેરે સામેલ છે. થાપણદારોને બેંકો એ એફડી રેટ ઘટાડતા થાપણો વ્યાજ રૂપી કમાણી ઘટવાની ચિંતા સતાવી રહે છે.

Senior Citizen Savings Scheme : સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ભારત સરકાર દ્વારા સંચાલિત નાની બચત યોજના છે. આ બચત યોજનામાં 60 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ બચત યોજનામાં 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકાય છે. 5 વર્ષની મુદ્દત પુરી થયા બાદ 3 વર્ષ માટે રોકાણ વધારી શકાય છે. આ બચત યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી શકાય છે અને મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા છે. હાલ એપ્રિલ થી જૂન 2025 ત્રિમસાકિગાળા માટે સિનિયર સિટીઝન બચત યોજના પર 8.2 ટકા વ્યાજ મળે છે.

Sukanya Samriddhi Account : સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના, ભારત સરકાર દ્વારા સંચાલિત બીજી એવી બચત યોજના છે, જેમા સૌથી વધુ વ્યાજ મળે છે. નામ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના નાની બાળકીઓ માટે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 10 વર્ષથી નાની ઉંમરની કન્યાના નામ ખાતું ખોલાવી રોકાણ કરી શકાય છે. માત્ર 250 રૂપિયાની નજીવી રકમ સાથે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે અને વાર્ષિક રોકાણની મર્યાદા 1.50 લાખ રૂપિયા છે. આ બચત યોજનામાં 15 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે, તેમા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના પર એપ્રિલ જૂન 2025 ત્રિમાસિગાળા માટે 8.2 ટકા વ્યાજદર નક્ક કરાયો છે.

તમને જણાવી દઇયે કે, સિનિયર સિટીઝન અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ઘણી નાની બચત યોજનાઓ સરકાર દ્વારા સંચાલિત થાય છે. આ બચત યોજનાઓના વ્યાજદરમાં પ્રત્યેક ત્રિમાસિકમાં ફેરફાર કરવામાં આવે છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપરાંત નેશનલ સેવિંગ સ્કીમ, કિસાન વિકાસપત્ર યોજના, પીપીએફ યોજનામાં 7 ટકાથી વધુ વળતર મળે છે. અહીં સરકાર દ્વારા સંચાલિત વિવિધ નાની બચત યોજના અને એપ્રિલ જૂન 2025 ત્રિમાસિકગાળાના નિર્ધારિત વ્યાજદરની જાણકારી નીચે કોષ્ટકમાં આપી છે.

નાની બચત યોજનાના નામ વ્યાજદર (એપ્રિલ-જૂન 2025)
પોસ્ટ ઓફિસ બચત યોજના 4 ટકા
રિકરિંગ બચત યોજના (5 વર્ષ) 6.7 ટકા
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ 8.2 ટકા
મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમ 7.4 ટકા
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 7.7 ટકા
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ 7.1 ટકા
કિસાન વિકાસ પત્ર 7.5 ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના 8.2 ટકા