khissu

આવ રે વરસાદ... કાલથી આખા ગુજરાતમાં 5 દિવસ સુધી મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Rain in Gujarat: આજે વરસાદની નવી આગાહી કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ છે. દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન અતિ ભારે વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં વરસાદ પડી શકે છે. જ્યારે 17 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ અને તાપીમાં વરસાદ ની શકયતા જોવા મળી રહી છે. તે જ રીતે 18 સપ્ટેમ્બરે અમરેલીમાં ભારે અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દજો કે મેઘરાજાએ પોતાનો પ્રકોપ બતાવવાનું તો શરૂ કરી જ દીધું છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહુવા પંથકના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. વધુમાં ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ પડ્યો હતો. સાથે સાથે અમરેલીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. એવામાં હવે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ નહોતો થયો. હવે સપ્ટેમ્બર મહિનાના પણ પંદર દિવસ વીતી ગયા છતાં વરસાદ ક્યાંય થતો નથી. જેને લઈને ખેડૂતો ભારે ચિંતામાં હતા. ખેતીના પાક પણ હવે બગડી રહ્યા છે. ત્યારે વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે હવે 5 દિવસ વરસાદની આગાહી વરદાન જેવી સાબિત થઈ રહી છે.