khissu

રાજ્યના આ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી: જાણો ક્યારે શરૂ થશે વરસાદનો ચોથો રાઉન્ડ

અંબાલાલ પટેલે ગુજરાતના દક્ષિણ ભાગમાં હાલ જે વરસાદ થઈ રહ્યો છે તે અંગે અગાઉ આગાહી કરીને નર્મદા, તાપી અને છેક સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. જેમાં તેમણે તાપી નદીમાં સામાન્ય પૂરની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલે જુલાઈના અંતમાં દક્ષિણમાં મેઘો રેલમછેલ કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી. તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે.

આ સાથે અંબાલાલ પટેલે ઓગસ્ટની શરુઆતમાં પણ જબરુ વહન આવી રહ્યું હોવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસમાં જે વહન આવી રહ્યું છે તે જબરું છે, કારણ કે અરબ સાગરમાં સિસ્ટમ પર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટોર્મ તથા અન્ય કારણે બની રહી છે, તેના લીધે જાણે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો હોય તેવી સ્થિતિ સર્જાશે.

બંગાળના ઉપસાગરમાં તથા અરબ સાગરમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટના વહનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. જુલાઈના અંતનો તથા ઓગસ્ટનો વરસાદ મોટા ફોરાનો હશે. આ વરસાદ ભેજ ખેંચી લાવશે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદનું ચોથું વહન ભારે રહી શકે છે. એક પછી એક સિસ્ટમ બનશે જે ઓગસ્ટની 15 તારીખ સુધીમાં વરસાદ લાવી શકે એમ છે, એટલે આ વરસાદનું વહન જબરું છે. દરિયો તોફાની રહી શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવશે.

ઓગસ્ટમાં માસમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, પ્રથમ સપ્તાહમાં અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુરમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર ગુજરાતના મહેસાણા સહિતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. આ સિવાય તેમણે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધી વાતાવરણમાં પલટા આવવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં રાજ્યભરમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી 30મી જુલાઈથી વરસાદમાં ઘટાડો થશે અને કેટલાક ભાગોમાં જ હળવો વરસાદ કે થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. જ્યારે 31મી જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને દિવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.

રાજ્યમાં 28મી જુલાઈના સવારના 6 વાગ્યાથી 29મી જુલાઈના સવારના 4 વાગ્યા સુધીમાં 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 209mm વરસાદ થયો છે. જ્યારે ચાર તાલુકાઓમાં 100mmથી વધુ વરસાદ થયો છે.