Top Stories
khissu

ખેડુત મિત્ર: રીંગણની જીવાતો અને તેનુ સંકલિત નિયંત્રણ

ગુજરાતમાં વવાતા વિવિધ શાકભાજી પાકોમાં મુખ્યત્વે રીંગણ, મરચા, ટામેટા, ભીંડો અને કોબીજનો સમાવેશ થાય છે. શાકભાજીનાં ઉત્પાદનમાં વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેમાં જીવાતને લીધે થતું નુકશાન મુખ્ય ગણાવી શકાય છે. શાકભાજી પાકોમાં નુકશાન કરતી જીવાતોમાં મુખ્યત્વે રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળનો સમાવેશ થાય છે. આ જીવાતનો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો ખુબ જ મોટું નુકશાન થતું જોવા મળે છે. તો રીંગણમાં નુકશાન કરતી આ જીવાતનું નિયંત્રણ ઝડપથી મેળવવા તાત્કાલિક પગલાં લઇ શકાય તે માટે જરૂરી માહિતી આ લેખમાં આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે.


તડતડિયા
ઓળખ
આ જીવાતના બચ્ચાં પાંખો વગરના, આછા લીલા રંગના અને પાન પર ત્રાંસા ચાલતા હોય છે. જયારે પુખ્ત પાંખોવાળા લીલા રંગના અને ફાચર આકારના હોય છે.

નુકશાન
બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાન ધારેથી પીળા પડી જાય છે. વધુ ઉપદ્રવમાં પાન કોડિયા જેવા થઇ ઉપરની તરફ કોકડાય છે. આ જીવાત ગટ્ટિયા પાનના રોગનો ફેલાવો કરે છે.

જીવાત વ્યવસ્થાપન
૧. આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫% અર્ક અથવા લીમડા આધારિત દવા ૨૦ મિલી (૧ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૨. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૧૦ કી.ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.

૩. ગટ્ટિયા પાનવાળા રોગિષ્ટ છોડ અથવા છોડનો રોગિષ્ટ ભાગ તાત્કાલિક ખેતરમાં દુર કરવો અને તેનો બાળીને નાશ કરવો.

૪. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ થાયમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ
ઓળખ
આ જીવાતનું ફૂદું મધ્યમ કદનું, સફેદ પાંખોવાળુ અને આગળની પાંખોમાં ભૂખરા રંગના અનિયમિત આકારના ટપકાઓ ધરાવતું હોય છે. માદા ડાળી, ફૂલ અને કયારેક નવવિકસિત ફળ પર છુટાંછવાયા ઈંડા મૂકે છે. શરૂઆતની અવસ્થામાં ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે જે મોટી થતા આછા ગુલાબી રંગની થાય છે.

નુકશાન
ઈયળ પાકની શરૂઆતની અવસ્થાએ મધ્યડૂંખમાં દાખલ થઈ પર્ણદંડ કોરી ખાય છે જેથી ઉપદ્રવીત ડૂંખ ચીમળાયને સુકાય જાય છે. ફૂલ અવસ્થાએ ઈયળ કળી તેમજ ફળને કોરીને નુકશાન કરે છે,પરીણામે કળીઓ ખરી પડે છે. ઈયળ ફળમાં ડીંટાના નીચેના ભાગેથી દાખલ થઈ ફળને અંદરથી કોરીને નુકશાન કરે છે. પડેલા કાણામાં તેની હગાર હોય છે જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પુર્ણ થતા ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.

આ જીવાતનો ઉપદ્રવ ગોળ રીંગણની જાત (મોરબી-૪-૨) કરતા લંબગોળ જાતમાં (ડોલી ૫) ઓછો જોવા મળે છે. ગુજરાત સંકર રીંગણ-૨ મધ્યમ પ્રતિકારકશક્તિ ધરાવતી જાત છે તેથી શક્ય હોય ત્યાં આવી જાતની પસંદગી કરવી. 

૨. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળના ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં સામૂહિક ધોરણે પાક ફેરબદલી કરવી.

પાક પૂરો થયા બાદ ઉખેડી નાંખવામાં આવેલા છોડનો વહેલી તકે બાળીને નાશ કરવો.
૪. ઉનાળામાં ગરમીના સમયે બે વખત ઊંડી ખેડ કરવાથી જીવાતના સુષુપ્ત રહેલા કોશેટાનો નાશ થાય છે.

૫.રીંગણીની ફેરરોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરનીશરૂઆતમાં કરવી જોઈએ જેથી જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

૬. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળના નર ફૂદાને આકર્ષવા ફેરરોપણીના ૨૦ થી ૨૫ દિવસ બાદ ખેતરમાં હેક્ટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ સામુહિક ધોરણે મુકવાથી આ જીવાતનો ઉપદ્રવ કાબૂમાં રાખી શકાય છે. લ્યુર દર ત્રણ અઠવાડિયા બાદ બદલવી.

૭. રીંગણના પાકમાં દરેક વીણી સમયે સડેલાં રીંગણ પણ ઉતારી લેવા અને આવા સડેલાં રીંગણના ફળ ઉપર ઓછોમાં ઓછું એક ફુટનું આવરણ રહે તેટલી ઊંડાઈએ જમીનમાં દાટી દેવાથી જીવાતના ઉપદ્રવનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે.

૮. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ સારી રીતે ભીંજાય તેમ છંટકાવ કરવો. જરૂર જણાયે ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.