khissu

હોળી પહેલા ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દ્વારા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠા, પવન અને તાપમાનમાં થનારા ફેરફારોની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમણે હોળી પહેલા રાજ્યના હવામાનમાં અણધાર્યા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા ગ્રહોના ફેરફારોથી રાજ્યના હવામાનમાં પલટાની વાત કરી છે.

ગ્રહોના ફેરફારના કારણે 25 તારીખથી હવામાનમાં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે. તેમણે ગુજરાતના હવામાન પર ફેબ્રુઆરીના અંત થતા માર્ચની શરુઆતમાં કેવા પલટા આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે કમોસમી વરસાદ અને વાદળવાયું વાતાવરણ ઉભું થવાની આગાહી પણ કરી છે.

ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેમાં કચ્છ, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. કચ્છ અને રાજસ્થાન-ગુજરાતના સરહદી પ્રદેશોમાં છાંટા થવાની સંભાવનાઓ છે. આ સાથે 28મી ફેબ્રુઆરીએ પણ રાજ્યમાં વાદળવાયું આવવાની શક્યતાઓ છે.

અંબાલાલ વધુમાં કહે છે કે, 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટીએ થઈ શકે છે. આ ફેરફારોના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. નોંધનીય છે કે અંબાલાલે આગાહી કરી છે તેમાં હોળી પહેલા મોટા ફેરફારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચ મહિનાની 25મી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે.

આ દરમિયાન તેમણે વાયુના તોફાનો થવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે, મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવન (ગસ્ટિંગ)ની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકનો રહેવાની શક્યતાઓ છે. આ સાથે કચ્છમાં તેજ ગતિથી પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

તારીખ 7-12 માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરીને અંબાલાલ પટેલ જણાવે છે કે, આ દરમિયાન હવામાનમાં અણધાર્યા ફેરફારો થશે. જેમાં વાયુના તોફાનો, પવન, કમોસમી વરસાદ વગેરે થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તારીખ 20-21 ફેબ્રુઆરીએ ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય આવતા ગરમીની શરુઆત થશે. 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. જોકે, આ પહેલા હવામાનમાં પલટાં આવવાના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે.