khissu

ટ્રેનની એલાર્મ ચેઈન ખેંચતા પહેલા જાણી લે જો નિયમ, નહીં તો ખાવી પડશે જેલની હવા

ટ્રેનમાં મુસાફરી કરતા નાગરિકોની સલામતી માટે, ભારતીય રેલ્વે કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમામ કોચમાં ઇમરજન્સી એલાર્મ ચેઇન રાખે છે જેથી જરૂર પડ્યે તે ઈમરજન્સી એલાર્મ ચેઈન ખેંચીને ટ્રેનને રોકી શકાય. ટ્રેનના કોચમાં લગાવેલી એલાર્મ ચેઈનને ખેંચતા પહેલા એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેનો ઉપયોગ ઈમરજન્સીમાં જ થઈ શકે છે. કોઈપણ માન્ય કારણ વગર એલાર્મ ચેઈન ખેંચવી એ કાયદેસરનો ગુનો છે અને ભારતીય રેલ્વે અધિનિયમ હેઠળ આવું કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

માન્ય કારણ વગર એલાર્મ ચેઈન ખેંચવા બદલ સજા
ટ્રેનના ડબ્બામાં લગાવેલ ઈમરજન્સી એલાર્મ ચેઈનને ખેંચવાથી ટ્રેનને રોકી દેવામાં આવે છે. તેથી ભારતીય રેલ્વે અધિનિયમ, 1989ની કલમ 141 હેઠળ, કોઈ માન્ય કારણ વગર ટ્રેનના કોચ સાથે જોડાયેલ ઈમરજન્સી એલાર્મ ચેઈનને ખેંચવી એ કાનૂની ગુનો છે. આવું કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. રેલ્વે એક્ટ હેઠળ, દોષિત માટે 1000 રૂપિયાનો દંડ અથવા એક વર્ષની કેદ અથવા બંને (દંડ અને જેલ)ની જોગવાઈ છે.

વાસ્તવમાં, જો કોઈ યોગ્ય કારણ વગર ટ્રેનને રોકવામાં આવે છે, તો તે ફક્ત તે ટ્રેનમાં બેઠેલા મુસાફરોનો સમય બગાડે છે એટલું જ નહિ, પરંતુ તે લાઇન પર પાછળથી આવતી ટ્રેનોને પણ રોકવી પડે છે અને તે ટ્રેનોમાં બેઠેલા મુસાફરોનો પણ સમય બગડે છે. તેથી જ તો જ્યારે એક જ સમયે આટલી બધી ટ્રેનો અને મુસાફરોનો સમય બગડે ત્યારે રેલવેને પણ ભારે નુકસાન સહન કરવું પડે છે. તેથી ટ્રેનની બોગીમાં સ્થાપિત ઈમરજન્સી એલાર્મ ચેઈન હંમેશા માન્ય કારણોસર ખેંચવી જોઈએ

આ પરિસ્થિતિમાં ટ્રેનની ઈમરજન્સી એલાર્મ ચેઈન ખેંચી શકાય છેઃ
- જો પ્રવાસ દરમિયાન કોઈ મુસાફરને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય, તો એલાર્મની સાંકળ ખેંચી શકાય છે 
- ચાલતી ટ્રેનમાં આગ લાગવાના કિસ્સામાં, એલાર્મ ચેઇનને ખેંચી શકાય છે જેથી કરીને બધા મુસાફરો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.
- જો કોઈ વૃદ્ધ અથવા વિકલાંગ મુસાફરને ટ્રેનમાં ચઢવામાં મુશ્કેલી થઈ રહી હોય અને ટ્રેન ચાલી રહી હોય, તો આવી સ્થિતિમાં પણ એલાર્મ ચેઈનને ખેંચી શકાય છે 
- આ ઉપરાંત, ચોરી, લૂંટ, હુમલો વગેરે જેવી સુરક્ષા કટોકટીની પરિસ્થિતિઓમાં એલાર્મ સાંકળને ખેંચી શકાય છે.