Top Stories
khissu

જાણો સીતાફળની ખેતી વિશે સંપૂર્ણ માહિતી : સીતાફળની ખેતીનું હવામાન, ફાયદાઓ વગેરે....

સીતાફળ સામાન્ય રીતે જંગલી પાક ગણાય છે. પરંતુ આ પાક થોડા ખર્ચે અને ઓછી કાળજીથી થવાથી આ ફળ બાગાયતદારો નુ સારું એવું ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યું છે અને તે સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં થવાથી એ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોનું ધ્યાન ખાસ એવું ખેંચવા લાગ્યું છે. તેથી સીતાફળની ખેતી હવે વ્યાપારિક કારણે વધી છે.

ગુજરાતમાં કયાં ક્યાં વિસ્તારમાં સીતાફળ ની ખેતી થાય છે ?

ગુજરાત માં અમદાવાદ, ભાવનગર, ખેડા, જૂનાગઢ, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં વાવેતર થાય છે. વલસાડ, ભરૂચ, ડાંગ વગેરે જિલ્લાઓમાં આદિવાસી વિસ્તરોમાં સીતાફળ કુદરતી પરિસ્થિતિમાં થાય છે.

સીતાફળ ખાવાના ફાયદાઓ ક્યાં-ક્યાં છે ?

સીતાફળ ક્ષારવાળી જમીન તથા દુષ્કાળ સહન કરી શકતો પાક છે અને આરોગ્ય ની દષ્ટિએ જોઈએ તો તે ઠંડક આપનાર ધાતુપુષ્ટિ કરનાર તથા વાતપિત્ત મટાડનાર છે. આ ફળનો  ઉપયોગ આઇસ્ક્રીમ બનાવવામાં પણ થાય છે. સીતાફળના બીજમાં લગભગ 3 ટકા જેટલું તેલ હોય છે. જેનો ઉપયોગ રંગકામ, સાબુ બનાવવા તથા અન્ય ઉપયોગ માં પણ લઈ શકાય છે.

સીતાફળની ખેતીનું હવામાન કેવું હોવું જોઈએ ?

સીતાફળ ના પાકને ૩૦ થી ૩૫ સે. તાપમાન અનુકૂળ આવે છે. ઉષ્ણ કટિબંધનો ભાગ છે પણ સમશિતોષ્ણ કટિબંધમાં પણ થઈ શકે છે. તેને ગરમ તથા શિયાળાની શરૂઆત નુ ભેજવાળું તથા ગરમ હવામાન માફક આવે છે. ચોમાસા સિવાયના વરસાદના કારણે તેમાં ફૂલ આવવાની પ્રક્રિયા પર ખરાબ અસર પડે છે. વધુ વરસાદ પડવાથી ચિકટો નામની જીવાતથી ઉપદ્રવ પણ ઘટે છે. સીતાફળમાં જૂન જુલાઈ આવતા ફૂલો પર ફળો બેસે છે. તે સમયમાં માપસરનું તાપમાન અને ભેજ હોવો જરૂરી છે. સૂકા અને ગરમ પવનના લીધે ફળો ઓછા બેસે છે. વધુ વરસાદ પડવાથી ભ્રૂણ અવસ્થામાં ફળો ખરી પડે છે. જેથી ઉત્પાદનમાં તેની વધુ અસર પડે છે.