khissu

વરસાદને લઈને હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલે કરી નવી આગાહી

 ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી: લો પ્રેશર સિસ્ટમ મજબુત, જાણો કયા જિલ્લામાં ભારે વરસાદ?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.

અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે ચોમાસુ સોળ આની રહેશે તેવી એક સચોટ આગાહી કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયેલો છે. છેલ્લા બે વર્ષની સાપેક્ષમાં આ વર્ષે સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં 70 થી 80% જેટલો સિજનનો વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે 80% જેટલો સિઝનનો વરસાદ પડી ગયો છે.

આ પણ વાંચો: આજથી મઘા નક્ષત્ર શરૂ: મઘા નક્ષત્રમાં પડતાં વરસાદનું પાણી સાચવી લેજો, સોનાનાં તોલે ગણાય છે મઘા નું પાણી

રાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે આવતીકાલ 19 તારીખથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ બનાસકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. તેમજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, સુરત, ડાંગ, તાપી અને નવસારીનો સમાવેશ થાય છે. જન્માષ્ટમીના તહેવાર પર 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદનો સમાવેશ થાય છે.