Top Stories
khissu

માત્ર 8 ધોરણ ભણેલી આ મહિલાએ ખેતીમાં એવું સંશોધન કર્યું કે રાષ્ટ્રપતિના હાથે મળ્યો બે વખત એવોર્ડ

આજના સમયમાં મહિલાઓ કોઈ ક્ષેત્રમાં પાછળ રહી નથી. પોતાના દમ પર કંઇક કરી બતાવવું જાણે મહિલાઓનું સામાન્ય સપનું છે. જી હાં મિત્રો, આજે અમે તમને એક એવી મહિલાની સફળતા વિશે જણાવીશું જેણે કૃષિ ક્ષેત્રે નવો રેકોર્ડ બનાવી બે વાર રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો છે.

આ ખેડૂત મહિલા રાજસ્થાનના સીકર જિલ્લાના ઝીગર બાડી ગામમાં રહે છે. જેનું નામ સંતોષ પચાર છે. જેણે માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ 30 વીઘા ખેતીલાયક જમીનના માલકિન છે. રાજસ્થાનની આ ખેડૂત મહિલાએ પોતાની મહેનત અને શક્તિના બળ પર રાજ્યમાં એક અલગ ઓળખ બનાવી છે અને બે વખત (2013 અને 2017માં) રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે.

સંતોષ જણાવે છે કે, તેણે લગભગ 2002માં પોતાના ફાર્મમાં એડવાન્સ ઓર્ગેનિક ફાર્મિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, સંતોષે તેના ખેતરમાં ગાજરની ખેતી કરી, જેનું ઉત્પાદન લાંબુ, પાતળું અને વાંકું થયું હતું. પોતાનો પાક આ રીતે જોઈને સંતોષ સમજી ગઇ કે બજારમાંથી લીધેલા બિયારણ ખરાબ છે. પોતાના પાકના ઉત્પાદનમાં સુધારો કરવા સંતોષે પોતે જ પોતાના બિયારણ તૈયાર કર્યા, જે સંપૂર્ણપણે નવી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવ્યા હતા.

સંતોષની આ મહેનત રંગ લાવી અને પરિણામે સંતોષને પાકનું સારું ઉત્પાદન મળ્યું. સંતોષની આ પદ્ધતિએ ગાજરની મીઠાશમાં લગભગ 5 ટકા અને ઉત્પાદન કાર્યક્ષમતામાં લગભગ 2 થી 3 ગણો વધારો કર્યો છે. આ પ્રયાસ અને સફળતાને કારણે સંતોષને 3 લાખ રૂપિયાનું ઈનામ અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.

ગાયના છાણમાંથી બનાવ્યો ગેસ પ્લાન્ટ 
સંતોષે ગાયના છાણમાંથી પોતાના ઘરમાં ગેસ પ્લાન્ટ પણ લગાવ્યો છે. ગામના 20 જેટલા ઘરોને આ કાર્યનો લાભ મળ્યો. એટલું જ નહીં, સંતોષ તેના ગામની મહિલાઓને ખેતીની નવી પદ્ધતિઓ વિશે જણાવીને મદદ પણ કરે છે.

બાગકામના પ્રયાસમાં સફળતા 
ખેડૂત મહિલા સંતોષને બાગાયતમાં પણ સફળતા મળી. વાસ્તવમાં સંતોષના પતિને દાડમનો બાગ લગાવવાનો વિચાર આવ્યો હતો. જેથી સંતોષે તરત જ તેની બાગકામ ખેતી કરવા દાડમના છોડ વાવ્યા જેના ફળ મેળવવામાં તેને ત્રણ વર્ષ લાગ્યા. આ ખેતીથી સંતોષને ઘણો ફાયદો થયો.

ત્યારબાદ સંતોષે તેના ખેતરમાં લીંબુ અને જામફળના છોડ પણ વાવ્યા, જેમાંથી તેને સારો એવો નફો મળ્યો. સંતોષ બાગાયતમાંથી વાર્ષિક આશરે 25 થી 30 લાખ રૂપિયાની કમાણી કરે છે. આજના સમયમાં સંતોષ પોતાના ગામની બાકીની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઇ છે, જેના કારણે ગામની અન્ય મહિલાઓ પણ ખેતીમાં રસ દાખવી રહી છે.