khissu

વર્તારો: ટીટોડીના ઈંડા પરથી વર્તારો, જાણો કેવો થશે વરસાદ ?

જેવી રીતે જ્યોતિષ અને હવામાન વિભાગ ડેટાના આધારે હવામાનની આગાહી કરવામાં આવે છે તે જ રીતે ગ્રામીણ વિસ્તારોમાં, લોકો હજુ પણ પ્રકૃતિમાં જોવા મળતા પ્રાણીઓના આધારે હવામાનનો અંદાજ કાઢે છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ટીટોડીના ઈંડા પરથી ગ્રામજનો વરસાદનું અનુમાન લગાવે છે. જો ઈંડા જમીન પર કે સપાટ જમીન પર મુકવામાં આવ્યા હોય અથવા ઈંડા કોઈ ખાડામાં જોવા મળે તો ગ્રામજનો દ્વારા જુદા જુદા અંદાજો લગાવવામાં આવે છે અને આગામી વરસાદની જાહેરાત પણ કરવામાં આવે છે.

ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી.જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઇંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે. ટીટોડી ઊંચાઈ પર ઈંડા મુકે તો વ્યાપક, ધોધમાર વરસાદ વરસે અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મુકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે.

ગ્રામજનોના મતે ટીટોડી દ્વારા ઈંડા મુકવાને વરસાદની દ્રષ્ટિએ શુભ સંકેત માનવામાં આવે છે. ટીટોડી જે  વિસ્તારમાં જેટલા ઈંડા મૂકે છે તેટલા મહિનાઓ સુધી વરસાદ પડવાનો અંદાજ છે. એવું માનવામાં આવે છે કે જો ટીટોડી ઉંચાઈ પર અથવા ખેતરના શિખર પર ઇંડા મૂકે છે, તો વધુ વરસાદની સંભાવના છે.

જો ટીટોડી ઈંડા જમીનથી કોઈ ઉંચા સ્થાને મૂકે છે તો ભારે વરસાદ થાય છે. જો ટીટોડી સપાટ જમીન પર ઇંડા મૂકે છે, તો સરેરાશ વરસાદ થાય છે અને જો ઇંડા કોઈપણ ખાડામાં જોવા મળે છે, તો દુષ્કાળની આગાહી કરવામાં આવે છે.

જોકે પાટણના રાધનપુર તાલુકાના કમાલપુરા ગામે રાજુ ચૌધરીના ખેતરમાં ટીટોડી ઈંડા મુકતા સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.

બધા પક્ષીઓમાં ટીટોડી નામનું પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા છે. ત્યારે કમાલપુરા ગામે રાજુ ચૌધરીના ખેતરમાં ટીટોડી ચાર ઈંડા મુકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ સારો પડશે. જોકે આ એક માન્યતા છે.