khissu

જાણો ગેસ સિલિન્ડરની ઉપર લખેલા આ નંબરોનો શું છે અર્થ? તેમાં છુપાયેલું છે પરિવારની સલામતીનું રહસ્ય

તમે ઘરોમાં LPG સિલિન્ડરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ સાંભળી હશે. સામાન્ય રીતે તે ઘટનાઓમાં ગેસ લીક અને શોર્ટ સર્કિટ મુખ્ય કારણો છે. જો કે, આવુ જ એક અન્ય કારણ પણ છે, જેના પર સામાન્ય રીતે લોકો ધ્યાન નથી આપતા અને મોટા અકસ્માતનો શિકાર બની જાય છે.

એક્સપાયર થયેલા સિલિન્ડરમાં લાગી શકે છે આગ
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રસોડામાં આગ લાગવાનું એક મોટું કારણ એલપીજી સિલિન્ડરની એક્સપાયરી છે. દરેક વસ્તુની જેમ, એલપીજી સિલિન્ડરની પણ એક નિશ્ચિત એક્સપાયરી ડેટ હોય છે. આ સમયગાળો પસાર થયા પછી, સિલિન્ડર જૂના થઈ જાય છે અને ગેસનું દબાણ સહન કરી શકતા નથી. જેથી તે ગરમી કે આગની નજીક હોય ત્યારે ઘણી વખત વિસ્ફોટ થાય છે.

સિલિન્ડરના ઉપરના ભાગે લખાયેલી હોય છે એક્સપાયરી ડેટ 
જો તમે નથી ઈચ્છતા કે તમારા પરિવારમાં કોઈને પણ આ પ્રકારની સમસ્યા થાય, તો વિક્રેતા પાસેથી એલપીજી સિલિન્ડર લેતી વખતે ચોક્કસથી એક્સપાયરી ડેટ ચેક કરો. આ તારીખ સિલિન્ડરના ઉપરના ભાગમાં લખેલી છે. જો તમે ત્યાં ધ્યાનથી જોશો, તો તમને A, B, C અથવા Dમાંથી એક નંબર લખાયેલો દેખાશે. તેમજ તે નંબરની આગળ 22, 23, 24 કે આવી કોઈ તારીખ લખેલી હોય છે.

સંખ્યાઓનો આ રીતે સમજો 
તમે જાણો છો કે વર્ષમાં 12 મહિના હોય છે. આવી સ્થિતિમાં, અંગ્રેજીના ચાર અક્ષરો 3-3 મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે, A અક્ષરનો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે થાય છે. B અક્ષરનો ઉપયોગ એપ્રિલ, મે અને જૂન મહિના માટે થાય છે, C અક્ષરનો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે થાય છે અને D અક્ષરનો ઉપયોગ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે થાય છે. આ અક્ષરો પછીની સંખ્યા વર્ષ સૂચવે છે.

ઉદાહરણ તરીકે, જો તમારા સિલિન્ડર પર B.24 લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તમારા સિલિન્ડરની એક્સપાયરી ડેટ જૂન 2024 છે. બીજી તરફ, જો તે C.26 છે તો તેનો અર્થ એ છે કે તમારું સિલિન્ડર સપ્ટેમ્બર 2026 સુધી ચાલી શકે છે. તે પછી તેને બદલવી જોઈએ. જો આમ કરવામાં ન આવે તો તે વિસ્ફોટનું જોખમ વધારે છે.

સિલિન્ડરનું જીવન 15 વર્ષ છે
તમને જણાવી દઈએ કે ઘરોમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ એલપીજી સિલિન્ડરની મહત્તમ આયુ 15 વર્ષ છે. આ સમયગાળા દરમિયાન, ગેસ કંપનીઓ તે સિલિન્ડરનું બે વાર પરીક્ષણ કરીને ક્ષમતા તપાસે છે. પ્રથમ ટેસ્ટ 5 વર્ષ પૂર્ણ થયા બાદ અને બીજી ટેસ્ટ 10 વર્ષ બાદ કરવામાં આવે છે. આ પરીક્ષણ વિગતો તમારા સિલિન્ડરની ટોચ પર પણ લખેલી છે. જો બંને તારીખો પસાર થઈ ગઈ હોય, તો તમારે તે સિલિન્ડર લેવાનો ઇનકાર કરવો જોઈએ.