Top Stories
khissu

ભારતનું આ ગામ કહેવાય છે મિની ઈઝરાયલ, કરોડપતિ બની રહ્યા છે ખેડૂતો

આજ કાલ લોકો જૂની પદ્ધતિની ખેતી છોડીને નવી ટેકનિક સાથે ખેતી કરી રહ્યા છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે ઈઝરાયની ખેતી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેમણે ખેતીની પરિભાષા જ બદલી નાખી છે. હવે રાજસ્થાનમાં એક ગામ છે જે મિની ઈઝરાયેલ તરીકે ઓળખવામાં આવે છે. જી હા, મિત્રો આ ગામમાં એક એવા ખેડૂત છે, જે ખેતીના કામમાં ખાસ નવી ટેક્નોલોજી અપનાવીને ખેતીની દૂનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે અને સાથે સાથે ગામના લોકોનું પમ નસીબ બદલાવી નાખ્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનમાં જયપુર પાસે આવેલા ગુડા કુમાવતાન અને બસેડીની જ્યાં એક ખેડૂત ખેમા રામ રહે છે. તેમણે ઈઝરાયેલ ટેક્નોલોજીથી ખેતી કરી સારી એવી કમાણી કરી છે. હકિકતમાં ખેમારામ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ વધુ નફો ન મળવાને કારણે તેમણે ખેતીમાં નવી ટેક્નોલોજી લાવવાનું નક્કી કર્યું અને આજે મોટી કમાણી કરી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

તે કેવી રીતે શરૂ કરી આ પ્રકારની ખેતી
આ અંગે ખેમારામ કહે છે કે વર્ષ 2012માં તે રાજસ્થાન સરકારની મદદથી ઈઝરાયેલ ગયા હતા. નોંધનિય છે કે, ત્યાં પાણી ઓછું હોવા છતાં તેમણે કંટ્રોલ વાતાવરણમાં પોલીહાઉસની ખેતી જોઈ અને તેને સમજ્યા. ઈઝરાયલથી પરત આવ્યા બાદ પ્રથમ પોલીહાઉસની સ્થાપના કરવામાં આવી હતી. હવે મજાની વાત એ છે કે, જ્યારે તેમણે આ રીતથી ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિક લોકોએ તેની મજાક ઉડાવતા હતા, પરંતુ જ્યારે ખેમારામને વધુ નફો મળવા લાગ્યો, ત્યારે આખા ગામે આ ટેકનીકને અપનાવવાનું શરૂ કર્યું, તેથી જ આ ગામને મિની ઇઝરાયેલ પણ કહેવામાં આવે છે.

6 કિમીના વિસ્તારમાં 300 થી વધુ પોલીહાઉસ છે. જેના કારણે અહીંના ખેડૂતોનું નસીબ બદલાઈ ગયું. અહીં 40 ખેડૂતો એવા છે જે 10 વર્ષમાં કરોડપતિ બની ગયા છે. હાલમાં ગામના તમામ ખેડૂતો ખેમારામે અપનાવેલી ઈઝરાયેલની ટેક્નોલોજીથી દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સ્ટ્રોબેરી અને અન્ય ફળો અને શાકભાજીની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગામના લોકો ખેડૂત ખેમારામને ભગવાનનો દરજ્જો આપવા લાગ્યા છે.