ગુજરાતમાં બુધવારે અચાનક ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જેથી ગુજરાતીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે આજે ફરીથી તાપમાન વધ્યાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આ વધતા ઘટતા તાપમાન વચ્ચે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે તથા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે તે જોઈએ.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7 ફેબ્રુઆરીના રોજ પવનનું જોર વધી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં 15થી 16 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડ ગસ્ટ રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડશે.
બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યો છે. વાદળો ઘટવાની સાથે ઠંડી આવી શકે છે.
તેમણે ઠંડીના રાઉન્ડ, તાપમાન, પવનની ગતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પવનની દિશા છેલ્લા થોડા દિવસથી ઉત્તર પશ્ચિમ તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા. જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી. ફરીથી પવન ઉત્તરના થશે અને પવનની ગતિ 8 ફેબ્રુઆરીથી સામાન્ય થશે.