ઉત્તરાયણ બાદ ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા થોડા દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં મહત્તમ તાપમાન ઊંચકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જો કે ગઈકાલથી પવનની દિશા બદલાતા વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે બપોરના સમયે તાપના કારણે લોકો શિયાળો વિદાય લઈ ચૂક્યો હોવાનું માની રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ઉનાળાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગત વર્ષે ફેબ્રુઆરી 2024માં જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. જો કે આ વર્ષે એવું નહીં થાય. મોટાભાગે આપણું તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી જાય, તે પછી ગરમીની શરૂઆત ગણવામાં આવે છે. જો કે હાલ મોટાભાગના વિસ્તારોમાં 30 થી 32 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે.
આગામી 15 ફેબ્રુઆરી સુધી તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચે તેવી કોઈ શક્યતા જણાતી નથી. ખાસ કરીને લઘુત્તમ તાપમાન નીચું જ રહેશે. જેના કારણે રાતના સમયે આપણને ઠંડીનો ચમકારો વર્તાશે, પરંતુ દિવસના સમયે 30 થી 32 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાથી ગરમીનો અહેસાસ થશે. એટલે કે હાલ ઉનાળાની શરૂઆત નહીં થાય, પરંતુ 15 ફેબ્રુઆરી સુધી મિશ્ર ઋતુનો સામનો કરવો પડશે. આ વર્ષે ઉનાળાનું આગમન મોડું થવાનું છે. એટલે કે આગામી 5 માર્ચ પછી જ ઉનાળાની શરૂઆત થાય તેવું અનુમાન છે.