એર ઇન્ડિયાની કમાન હવે ટાટાનાં હાથમાં: 18000 કરોડની બોલી લગાવીને એર ઇન્ડિયાની કમાન સંભાળી

એર ઇન્ડિયાની કમાન હવે ટાટાનાં હાથમાં: 18000 કરોડની બોલી લગાવીને એર ઇન્ડિયાની કમાન સંભાળી

એર ઇન્ડિયાના ખાનગીકરણ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. દેવામાં ડૂબેલા એર ઇન્ડિયાને વેચવાનો સરકારનો પ્રયાસ આખરે સફળ થયો. આ એરલાઇન કંપનીને આખરે વર્ષો પછી એક નવો માલિક મળ્યો.

સરકારે એર ઇન્ડિયા માટે બિડના વિજેતાની જાહેરાત કરી. એર ઇન્ડિયાની કમાન હવે ટાટા ગ્રુપ સંભાળશે. ટાટાએ એર ઇન્ડિયા માટે 18,000 કરોડની બોલી લગાવી હતી. આ સાથે, ટાટા ગ્રુપે ફરી એક વખત સૌથી મોટી બોલી લગાવીને એર ઇન્ડિયાની કમાન સંભાળી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ માહિતી આપી છે.

DIPM ના સચિવ તુહીન કાંતે જણાવ્યું હતું કે ટાટા ગ્રુપે એર ઇન્ડિયા માટે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. ટાટા એર ઇન્ડિયાનું 15,300 કરોડનું દેવું ચૂકવશે. 31 ઓગસ્ટ સુધી એર ઇન્ડિયા પર 61,560 કરોડ રૂપિયાનું દેવું હતું. આમાં, ટાટા સન્સ 15,300 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે બાકીના 46,262 કરોડ રૂપિયા AIAHL (એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની) દ્વારા ચૂકવવામાં આવશે.

DIPAM ના સચિવ તુહીનકાંત પાંડેએ બોલતા કહ્યું કે એર ઇન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ (AISAM) પેનલે એર ઇન્ડિયાની નાણાકીય બિડ પર નિર્ણય લીધો છે. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઘણા મહત્વના મંત્રીઓ અને અધિકારીઓ સામેલ છે. 

તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપ અને સ્પાઈસ જેટના અજય સિંહે એર ઈન્ડિયા માટે બોલી લગાવી હતી. તાજેતરમાં, બ્લૂમબર્ગે રિપોર્ટમાં કહ્યું હતું કે પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. હવે 68 વર્ષ બાદ ટાટા ગ્રુપે સૌથી વધુ બોલી લગાવીને એર ઇન્ડિયાને પરત ખરીદી છે.

એર ઇન્ડિયા કેમ વેચાયું?
તેની વાર્તા વર્ષ 2007 થી શરૂ થાય છે. 2007 માં સરકારે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સનું મર્જર કર્યું હતું. મર્જરની પાછળ સરકારે બળતણની વધતી કિંમતો, ખાનગી એરલાઇન કંપનીઓની સ્પર્ધાને કારણ ગણાવી હતી. જોકે એર ઇન્ડિયા વર્ષ 2000 થી 2006 સુધી નફો કરતી હતી, પરંતુ મર્જર બાદ મુશ્કેલી વધી. કંપની પરનું દેવું સતત વધતું રહ્યું. 31 માર્ચ 2019 ના રોજ કંપની પર 60 હજાર કરોડથી વધુનું દેવું હતું. નાણાકીય વર્ષ 2020-21 માટે, એક અંદાજ મુજબ એરલાઇનને 9 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે.