સૌરાષ્ટ્રનાં સૌથી મોટા યાર્ડમાંના એક એવા રાજકોટ યાર્ડ કોરોનાનાં કેસમાં સતત વધારો થતા ગઈકાલ થી અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ગોંડલ યાર્ડે પણ કપાસ સિવાયની તમામ નવી આવકો બંધ કરીને માલ પૂરો થાય ત્યાં સુધી હરાજી ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આમ કોરોનાનાં કેસ વધી રહ્યાં હોવાથી હવે મોટા ભાગનાં યાર્ડો બંધમાં જોડાવા લાગ્યાં છે. એશિયાનું સૌથી મોટું ગંજ બજાર મહેસાણા યાર્ડે પણ ઊંઝાની જેમ જ 21મી એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે. પોરબંદર યાર્ડ 25મી એપ્રિલ સુધી બંધ રહેશે. જ્યારે સાવરકુંડલા યાર્ડ પણ તારીખ 18મી એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
રાજકોટ યાર્ડે અગાઉ શુક્રવારથી રવિવારની રજા જાહેર કરી હતી, પંરતુ યાર્ડમાં કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. આજે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને તેમનાં પૌત્રને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને તમામ નવી આવકો બંધ રાખવાની જાહેરાત કરી છે. ગોંડલ યાર્ડમાં પણ આજ સ્થિતિ છે. ઊંઝા માર્કેટ યાર્ડને પગલે આજે મહેસાણા યાર્ડે પણ 21મી એપ્રિલ સુધી યાર્ડમાં કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ભાવનગર યાર્ડે તહેવારો અને કોરોનાનાં કેસ વધી રહ્યાં હોવાથી તારીખ 14થી યાર્ડમાં નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
મહુવા યાર્ડે પણ ડુંગળી સિવાયની તમામ આવકો બંધ કરવાની અને હરાજી ન કરવાની જાહેરાત કરી છે. ડુંગળીની હાલ સિઝન હોવાથી જાહેરાત મુજબ અમુક દિવસો આવકો ખોલવામાં આવશે. હિંમતનગર સહિતનાં કેટલાક બીજા યાર્ડો પણ 14 તારીખનાં રોજ ડો.આંબેડકરની જાહેર રજાને કારણે બંધ રહેવાનાં છે, પંરતુ જેમ કોરોનાનાં કેસ વધશે તેમ મોટા ભાગનાં યાર્ડો હવે ચાલુ સપ્તાહથી થોડા દિવસ માટે કામકાજ માટે બંધ રહે તેવી પૂરી સંભાવનાં છે.