હાલ રાજ્યમાં ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યા વિના પોતાનું કામ પતાવી લીધું હતું. પરંતુ જ્યારે સામાન્ય નાગરિકનો વારો આવે એટલે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ તેને દંડવામાં આવે છે. જોકે હવે હોળી ધુળેટીનો તહેવાર આવવાનો છે જે વિશે પણ સરકારે પોતાનું અન્યાયી વલણ અપનાવી જ લીધું.
હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આવનારા તહેવારો વિશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે. હાલ જ રાજ્યમાં આવતાં હોળી-ધુળેટીના તહેવારોને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગત્યની જાહેરાત કરી છે.
આ જાહેરાત મુજબ નીતિન ભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં પૂજા વિધિ માટે હોળી પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. જે મુજબ રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત હોળી પ્રગટાવવા વિશે પણ કહ્યું કે, ધાર્મિક રીતે હોળી દહન માટે મર્યાદિત લોકો જ એકત્ર થઈ શકશે પરંતુ રંગેથી રમવા પર પૂરો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમને એ પણ કહ્યું કે જરૂરિયાત મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે.
નીતિનભાઈ પટેલે ગુજરાતની પ્રજાને કહ્યું કે, મને આશા છે કે ગુજરાતના બધાજ નાગરિકો, યુવાન-યુવતીઓ, ભાઈ-બહેનો જાગરૂક છે. તેઓ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર માર્ગદર્શિકાનું પાલન કરશે.
જો રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ જોઈએ તો આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૧૫૬૫ કેસ નોંધાયા છે. જોકે સજા થનાર દર્દીઓની સંખ્યા ૯૬૯ છે. તેથી રાજ્યનો રિકવરી રેટ ૯૬.૦૮% થઈ ગયો છે.