આપણા દેશમાં ઘણા લોકો તેમના કિંમતી દાગીના અને ઘરેણાં બેંક લોકરમાં રાખવાનું પસંદ કરે છે. આનું એકમાત્ર કારણ એ છે કે ઘરેણાં ઘરે ખૂબ સુરક્ષિત નથી, તેથી જ લોકો ઘરેણાં બેંકના લોકરમાં રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અત્યારે બેંક પણ તમારું લોકર તોડી શકે છે? રિઝર્વ બેંકે હાલમાં બેંક લોકર સંબંધિત કેટલાક નિયમો બદલ્યા છે અને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.
રિઝર્વ બેંકે તેની નવી ગાઈડલાઈન જારી કરી છે તે મુજબ રિઝર્વ બેંકે લોકરો ખોલવાની બેંકોને પરવાનગી આપી છે. આ નવી ગાઈડલાઈન મુજબ, જો કોઈ લોકર ધારક નિયમિત ધોરણે લોકરનું ભાડુ ભરી રહ્યો હોય, પણ જો લાંબા સમયથી લોકર ખોલવામાં ન આવ્યું હોય તો બેંક લોકર ખોલી શકે છે.
આરબીઆઈની નવી માર્ગદર્શિકા મુજબ, બેંક લોકર તોડી નાખવા અને લોકરની સામગ્રી તેના નોમિની/કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવા અથવા લોકરમાં રહેલી સામગ્રીનો નિકાલ કરવા માટે મુક્ત રહેશે. ભલે લોકર ધારક તેના લોકર માટે નિયમિતપણે ભાડુ ચૂકવી રહ્યો હોય, પરંતુ જો તે 7 વર્ષ સુધી લોકર ખોલતો નથી, તો બેંકને તેનું લોકર તોડવાનો અધિકાર છે. લોકર તોડતા પહેલા બેંક લોકર ધારકનો એક વખત સંપર્ક કરશે.
કેન્દ્રીય બેંકની માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે લોકર બેંકના અધિકારી અને બે સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ખોલવા જોઈએ અને સમગ્ર પ્રક્રિયાની વીડિયો રેકોર્ડિંગ હોવી જોઈએ. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, લોકર ખોલ્યા પછી, સામગ્રીને સીલબંધ પરબિડીયામાં રાખવામાં આવશે.